ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિ બા યાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ નગરપાલિકાની બજેટ પૂર્વેની સમાન્ય સભા પ્રમુખ વિભૂતિ બા યાદવના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વિપક્ષે રોડ, ગટર અને ડમ્પીંગ સાઈટ ના મુદ્દે શાસક પક્ષ ને ઘેરી પ્રશ્નોની પસ્તાળ પાડી હતી તો પાલિકાના મૃતક રોજમદાર કર્મચારીના પરિવારને સહાય અને રોજગારી ના મુદ્દે અંત માં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિ બા યાદવની અધ્યક્ષતામાં મળી હતી.જેના પ્રારંભે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ, મહાકુંભ માં મોતને ભેટનાર શ્રદ્ધાળુઓ અને પાલિકાના કર્મચારી શંભુભાઈ વસાવાના મૃત્યુ અને શોક પ્રદર્શિત કરી બે મિનિટ ના મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જે બાદ શરૂ થયેલ સામાન્ય સભા ની કાર્યવાહી સાથે જ વિપક્ષ ના સભ્યોએ, ટ્રાફિક સર્કલ, રોડ, ડમ્પીંગ સાઈટ વિગેરે મુદ્દે ઉગ્ર દલીલો સાથે ચર્ચામાં ઉતરતા શાસક અને વિપક્ષ ના સભ્યો વચ્ચે થોડી ઘણી ચકમક ઝરી હતી. વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ટ્રાફિક સર્કલના નવીનીકરણ માં ભરુચ અને પાલિકા ની ઓળખ જળવાઈ રહે તે માટે ના સૂચનો કર્યા હતા.તો પ્રાઇમરી કલેક્શન સેન્ટર ના મુદ્દે ડમ્પીંગ સાઈટ ના મુદ્દે પ્રશ્નોનો મારો ચલાવી શાસક પક્ષ ને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.જેને કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ એ વિપક્ષી સભ્યોના વિસ્તાર ના રોડ, લાઈટ સહિતના કામો કરવામાં આવનાર છે કહી કુનેહ પૂર્વક ખાળી સભાનું વાતાવરણ વધુ ના ગરમાય તે માટેના પ્રયાસ કર્યા હતા..
જોકે સભાના અંતમાં પાલિકાના રોજમદાર કર્મચારી શંભુભાઈ વસાવાના પરિવારને આર્થિક સહાય અને નોકરીના મુદ્દે વિપક્ષના હેમેન્દ્ર કોઠીવાલાએ ઉઠાવતા ઉગ્ર વાતાવરણ બની જવા પામ્યું હતું તે દરમ્યાન એકાએક રાષ્ટ્ર ગીત સાથે સભા પૂર્ણ કરી દેવાતા શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ અને હેમેન્દ્ર કોઠીવાલા એક બીજાની સામે આવી જતા ભારે હોબાળો મચી જતાં બંને પક્ષના આગેવાનો એ મામલો થાળે પડ્યો હતો. વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે વિવિધ રોડ અને ફીસ માર્કેટના રિનોવેશન માટેની જોગવાઇને આવકારી હતી પણ પાલિકાના મૃતક કર્મચારી શંભુભાઈ વસાવા ના મુદ્દે શાસક પક્ષે રાષ્ટ્ર ગીત ની આડ માં કઈ પણ નક્કર કહેવાનું નિંદનીય કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
બીજી બાજુ પાલિકા પ્રમુખ વિભૂતિ બા યાદવે ભરુચ ના વિકાસ માટેના 33 જેટલા કામોને સામાન્ય સભા ના મંજૂર કરવા સાથે પંડિત ઓમકારનાથ હોલના ડીમોલેશન બાદ નવા બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હોવાનું જણાવવા સાથે મૃતક શંભુભાઈ વસાવા ના પરીવાર ની પડખે પાલિકા હોવાનો પણ એક્રરાર કરી વિપક્ષના આક્ષેપો ફગાવી દીધા હતા.




