અમદાવાદમાં ભેળસેળયુક્ત પનીર બનાવતી પેઢી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રનો દરોડો, 1500 કિલો પનીર જપ્ત

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળયુક્ત પનીર બનાવતી એક પેઢી પર દરોડો પાડીને મોટી માત્રામાં ભેળસેળયુક્ત પનીર અને તેને બનાવવા માટેના ખતરનાક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા. તંત્રની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમે દ્વારકેશ ડેરી પ્રોડક્ટસ, અમદાવાદ ખાતે દરોડો પાડીને 1500 કિલોગ્રામ પનીર અને પામોલીન તેલ સાથે ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો જથ્થો પકડી પાડ્યો, જેની અંદાજિત કિંમત 3.15 લાખ રૂપિયા છે.
ખાનગી બાતમી આધારે કાર્યવાહી
તંત્રને મળેલી બાતમી અનુસાર, આ પેઢી શંકાસ્પદ અને ભેળસેળયુક્ત પનીરનું ઉત્પાદન કરી રહી હતી. મળેલી માહિતી આધારે 4 ફેબ્રુઆરી 2025ના રોજ મો.મથક, ગાંધીનગરની સ્ક્વોડે કુબેરનગર સ્થિત દ્વારકેશ ડેરી પ્રોડક્ટસ પર દરોડો પાડ્યો. તપાસમાં સ્પષ્ટ થયું કે પેઢી 10723026000784 નંબરનું લાઇસન્સ ધરાવતી હતી, પરંતુ ત્યાં પનીર સાથે પામોલીન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
જપ્ત કરાયેલા નમૂનાઓ અને કાયદેસર કાર્યવાહી
તપાસ દરમિયાન તંત્ર દ્વારા પનીર, પામોલીન ઓઈલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડના ત્રણ નમૂના લેવામાં આવ્યા. જાહેર જનતાની સલામતી માટે બાકી રહેલા 1500 કિલોગ્રામ પનીરના જથ્થાને જપ્ત કરી સીલ કરવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોવાનું જણાઈ આવતા, વધુ તપાસ અને લેબોરેટરી રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ
આ દરોડા બાદ ભેળસેળખોરો અને ખોટા ખોરાક ઉત્પાદકોમાં ફફડાટ ફેલાયો છે. ખોરાક અને ઔષધ નિયામક તંત્રએ સ્પષ્ટ કરી દીધું છે કે રાજ્યમાં ભેળસેળયુક્ત ખોરાક ઉત્પાદકો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને નાગરિકોને સલામત અને શુદ્ધ ખોરાક મળતી રહે તે માટે તંત્ર કટિબદ્ધ છે.






