કલોદરા હાઈસ્કૂલના બાળકોને દાતાશ્રી દ્વારા ભોજન તથા શૈક્ષણિક કીટ અપાઈ.

કલોદરા હાઈસ્કૂલના બાળકોને દાતાશ્રી દ્વારા ભોજન તથા શૈક્ષણિક કીટ અપાઈ.
તાહિર મેમણ – આણંદ – 04/02/2025 – બાળકોના મનમાં કોઈ વેર ઝેર કે પાપ હોતું નથી . એટલે જ બાળકો માટે કહેવાય છે કે બાલ દેવો ભવ એટલે કે બાળકો ભગવાન તુલ્ય છે અને આવા બાળકોને જો ખુશી આપી શકાય તો પ્રભુના આશીર્વાદ ચોક્કસ મળેજ. ખંભાત તાલુકાના નાના કલોદરા ગામના ખૂબ જ સેવાભાવી અને હંમેશા જેના હૃદયમાં તમામ ગ્રામજનોની સુખાકારી કેવી રીતે વધે તેનું જ ચિંતન ચાલતું હોય અને ગામની તમામ સંસ્થાઓના વિકાસ માં સતત સમયાંતરે યોગદાન જેમના દ્વારા મળતું રહે છે તેવા ખૂબ જ સૌમ્ય, સરળ, સહજ,દયાળુ અને પ્રેમાળ સ્વભાવવાળા શ્રી રણછોડભાઈ મથુરભાઈ મોતીભાઈ પટેલ દ્વારા પોતાની પૌત્રીઓના લગ્ન પ્રસંગે ગામની હાઈસ્કૂલ શ્રી ચંચલ વિદ્યાવિહારના બાલમંદિર થી ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ તેમજ ગામની સરકારી પ્રાથમિક શાળાના પણ તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ સુંદર ભોજનની વ્યવસ્થા કરાઈ હતી તેમજ ભોજન બાદ તમામ વિદ્યાર્થીઓને શ્રી રણછોડભાઈ તથા તેમના પરિવારજનોના હસ્તે બાળકોની વય કક્ષા અનુસાર શૈક્ષણિક કીટ અપાઈ હતી. ભોજન અને સુંદર મજાની શૈક્ષણિક કીટ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓના ચહેરા પર જબરજસ્ત ખુશી જોવા મળી હતી. તમામ બાળકોએ દાતાશ્રીના પરિવારમાં હંમેશા ખુશનુમાં ભર્યું , આરોગ્યપ્રદ સુખી જીવન પસાર થાય, તેમના પરિવારજનોના ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહેશે અને આવા ને આવા સમાજ સેવાના કાર્યો સતત થતા રહે, વિશેષ કરીને દાતાશ્રીના ધર્મપત્ની શ્રીમતી જયાબાનું આરોગ્ય પ્રભુ ખૂબ વહેલી તકે ખૂબ સારુ બનાવે, તથા દાતાશ્રી રણછોડભાઈ તથા જયાબાની જોડીને ખૂબ લાંબુ દીર્ઘાયુ, અને સુખી જીવન પ્રભુ પ્રદાન કરે તેવી અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરી હતી . વિદ્યાર્થીઓના ચહેરા પર અમૂલ્ય ખુશી લાવવા બદલ શાળાના આચાર્યશ્રી ઇન્દ્રાબેન પટેલે દાતાશ્રીનો તથા તેમના પરિવારજનોના તમામ સભ્યોનૉ સમગ્ર શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો. પિતા વગરની સામાન્ય ઘરની ધોરણ આઠની બાળા નિયતિએ જ્યારે તમામ બાળકો વતી દાતા શ્રી રણછોડભાઈ નો આભાર વ્યક્ત કર્યો ત્યારે દાતાશ્રીએ તેને અને તમામ બાળકોને ખૂબ સારો અભ્યાસ કરી જીવનમાં ખૂબ આગળ વધી સૌનું કલ્યાણ કરવાના સુભાષિત પાઠવ્યા ત્યારે પિતા વગરની આ બાળા ખૂબ જ ગદગદિત થઈ હતી. તેને એવો અહેસાસ થયો હતો કે મને પિતાના સ્વરૂપમાં શ્રી રણછોડકાકા મળ્યા છે. બાળકોનું આવું ધ્યાન રાખનાર દાતાશ્રીના પરિવારને પ્રભુના આશીર્વાદ ચોક્કસ મળશે જ.




