GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ સહિત રાજ્યના મહાનગરોમાં બે-દિવસીય મિલેટ એક્સ્પો-૨૦૨૫ યોજાશે

તા.૪/૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

મિલેટ એક્સ્પોની તૈયારી અંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરતા અધિક મુખ્ય સચિવ શ્રી અંજુ શર્મા

રાજકોટ ખાતેના કાર્યક્રમના પૂર્વાયોજન બાબતે બેઠક યોજાઈ

Rajkot: આગામી તા. ૮ ફેબ્રુઆરીથી રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને રાજકોટ મહાનગરોમાં ‘મિલેટ એક્સ્પો – ૨૦૨૫’ યોજાશે. જેના અનુસંધાને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અંજુ શર્માએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તૈયારીઓની સમીક્ષા કરી હતી. એક્સ્પોના માધ્યમથી મિલેટ્સ અને પ્રાકૃતિક કૃષિ પેદાશ અંગે લોકોમાં જાગૃતિ વધે તે દિશામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કોન્ફરન્સમાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (ઇન્ચાર્જ) શ્રી એ.કે.વસ્તાણીએ રાજકોટના નાના મૌવા સર્કલ પાસે યોજાનારા મિલેટ એક્સ્પો-૨૦૨૫ના આયોજનની વિગતો પુરી પાડી હતી. સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકા ખાતે ઉપસ્થિત વિવિધ કમિટીના અધિકારીઓ સાથે આયોજન અંગે સમીક્ષા કરી હતી.

આગામી તા. ૮ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦ કલાકે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારંભ મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે. આ બે દિવસીય એક્સ્પોમાં ૬૦ પ્રદર્શન સ્ટોલ તેમજ ૧૫ જેટલા લાઈવ ફૂડ કોર્ટ ઉભા કરવામાં આવશે. જેમાં મીલેટ્સ અને પ્રાકૃતિક રીતે તૈયાર થયેલા શાકભાજી તેમજ અન્ય પ્રોડક્ટ્સનું પ્રદર્શન કમ વેચાણ કરવામાં આવનાર છે.

એક્સ્પોમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ, યુવા અને પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના હોઈ અહીં સ્ટેજ, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, પાણી, લાઈટ, સેનીટેશન, ક્રાઉડ મેનેજમેન્ટ, ફાયર સેફટી, મેડિકલ ટીમ, હેલ્પ ડેસ્ક સહીત વ્યવસ્થાપન અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આયોજિત મિલેટ મહોત્સવમાં રાગી, કાંગ, કોદરી, ઝંગોરી, જુવાર, બાજરી જેવી પ્રોડક્ટસનું પ્રદર્શન કમ વેચાણ હાથ ધરવામાં આવશે. જ્યારે લોકો મિલેટમાંથી બનતી વાનગીઓથી અવગત થઈ શકે તે માટે લાઈવ ફૂડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવશે. મિલેટ પકવતા અને નેચરલ ફાર્મીંગ કરતા ખેડૂતો, ખેડૂતો સાથે સંકળાયેલા એન.જી.ઓ., શહેરીજનો આ આયોજનનો મહત્તમ લાભ લઈ શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. આ એક્સ્પો થકી આરોગ્યપ્રદ વાનગીઓ લોકોના રોજબરોજના જીવનનો ભાગ બને તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં સહાયક મ્યુનિસિપલ કમિશનર શ્રી બી.એલ.કાથરોટીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તૃપ્તિબેન પટેલ સહિત મહાનગરપાલિકા અને વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ જોડાયા હતાં.

Back to top button
error: Content is protected !!