
રાજપીપલા : ખેલ મહાકુંભ ૩.૦ માં વાવડી સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સનું શાનદાર પ્રદર્શન
સંસ્થાની પાંચમાંથી બે દીકરીઓ જિલ્લાકક્ષાએ દોડમાં બીજો ક્રમ હાંસલ કરીને નર્મદા જિલ્લાને ગૌરવ અપાવ્યું
રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના સમાજ સુરક્ષા પ્રભાગ હેઠળની સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, વાવડી સંસ્થા ખાતે ૭ થી ૧૮ વર્ષના નિરાધાર બાળકોના અધિકારોની સુરક્ષાને સુનિશ્ચિત કરતું જુવેનાઈલ જસ્ટીસ એક્ટ, ૨૦૧૫ ના નિયમ ૨૦૧૯ મુજબ બાળકોના આશ્રયાલયોની સાથે તેમના ભવિષ્ય માટે આરોગ્ય, શિક્ષણની સાથે સુરક્ષા અને સંરક્ષણ પુરુ પાડવામાં આવે છે.
આ બાળકો શિક્ષણની સાથે રમતમાં પણ પોતાની પ્રતિભાનો પરિચય આપી રહ્યાં છે. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર, જિલ્લા વહીવટી તંત્ર નર્મદા અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સંકલનથી જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ ૩.૦ આયોજિત કરાયો હતો. જેમાં સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની દીકરીઓએ અપ્રતિમ દેખાવ કર્યો છે.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તેમજ બાળ કલ્યાણ સમિતિ, નર્મદાની પ્રેરણાથી તથા વાવડી પ્રાથમિક સ્કુલના સહયોગથી સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, સંસ્થાના અધિક્ષક દર્શનાબેન વસાવાના નેતૃત્વ હેઠળ સંસ્થાના યોગ શિક્ષિકા શ્રીમતી યોગીતાબેનના સતત પ્રયત્નોના પરિણામ સ્વરૂપ સંસ્થાની બાળકીઓને ખેલ મહાકુંભની પૂર્વ તૈયારી કરી રહી હતી. જેમાં સંસ્થાની ૫ બાળકીઓ તાલુકા કક્ષાએ દોડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર મેળવી જિલ્લા કક્ષાએ રમવા માટે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેમાંથી ૨ બાળકીઓએ સમગ્ર નર્મદા જિલ્લામાં દોડની રમતમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.


