‘તું જમાઈ નહીં પણ જમ છે’:મજૂરીના મુદ્દે ઝઘડો થતાં સસરાએ કુહાડીથી જમાઈની ખોપડી ફોડી, આરોપીની ધરપકડ
સમીર પટેલ, ભરૂચ
આમોદ તાલુકાના કેસલું ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મજૂરીના મુદ્દે થયેલી તકરાર બાદ સસરાએ જમાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. ઘટના મુજબ, જંબુસરના સરદારપુરા ગામના ગણપત રમણ રાઠોડ તેમની પત્ની સાથે છેલ્લા એક મહિનાથી સસરા ચતુર મોતીભાઈ રાઠોડના ઘરે કેસલું ગામમાં રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા.ત્રણ દિવસ પહેલા સસરા-જમાઈ વચ્ચે મજૂરીના મુદ્દે તકરાર થઈ હતી.
સસરાએ જમાઈ પર આરોપ મૂક્યો કે તેઓ બંને પતિ-પત્ની ફક્ત બેસીને રોટલા ખાય છે અને કમાણી કરતા નથી. જવાબમાં જમાઈએ કહ્યું કે કામ મળે ત્યારે જ મજૂરીએ જઈ શકાય છે. આ વાત પર ઉશ્કેરાયેલા સસરાએ કહ્યું કે, “તું જમાઈ નહીં પણ જમ છે, મારી દીકરી પાસે માત્ર મજૂરી જ કરાવે છે” અને અચાનક લાકડા કાપવાની કુહાડી વડે જમાઈના માથામાં પ્રહાર કર્યો હતો.
ગંભીર ઈજાગ્રસ્ત જમાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમના માથામાં 14 ટાંકા આવ્યા છે અને હાલ સારવાર હેઠળ છે. આમોદ પોલીસે આ મામલે હત્યાની કોશિશનો ગુનો નોંધી PI રાજુ કરમટીયાના નેતૃત્વમાં આરોપી સસરાની ધરપકડ કરી છે. જંબુસર DySP પી.એલ. ચૌધરીએ આ અંગેની પુષ્ટિ કરી છે.