Rajkot: રાજકોટમાં વિવિધ ચાર સ્થળ પરથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પથ સંચલન નીકળ્યા, ૭૫૦થી વધુ કાર્યકર્તાઓ જોડાયા

તા.૧૧/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ઘોષના તાલે કદમથી કદમ મિલાવતા ગણવેશમાં સજ્જ સ્વયંસેવકોને સામાજિક સંસ્થાઓ-મંડળોએ ફુલડેથી વધાવ્યા*
બે વિસ્તારમાં કૌમુદી સંચલન નીકળ્યા
Rajkot: આ વર્ષે, જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ ની ઉજવણીની પૂર્વ તૈયારી થઈ રહી છે, ત્યારે સંઘ કાર્યના વિસ્તાર, સમાજમાં સજ્જનશક્તિનું જાગરણ, અને વ્યક્તિ નિર્માણ થકી મજબૂત રાષ્ટ્ર નિર્માણ ના સંકલ્પ સાથે સ્વયંસેવકો ઉત્સાહ અને પરિશ્રમ સાથે કાર્ય કરી રહ્યા છે. સંઘ દ્વારા વર્ષમાં એકવાર યોજાતા પથ સંચલનના ઉપક્રમે, રાજકોટ મહાનગરમાં હાલમાં જ ચાર વિસ્તારમાં પથ સંચલન યોજાઈ ગયા.
રાજકોટ મહાનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભૌગોલિક રચનામાં પાંચ વિસ્તારો અને ૩૫ નગરની રચના કરવામાં આવેલી છે. જે પૈકી ચાર વિસ્તારમાં પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું. ગત ૧૨મી જાન્યુઆરીએ નટરાજ વિસ્તાર અને – વર્ધમાન વિસ્તાર, ૧૯મી જાન્યુઆરીએ મારૂતિ વિસ્તાર તેમજ ૮ ફેબ્રુઆરીએ લક્ષ્મી વિસ્તારમાં એમ ચાર પથ સંચલન રાજકોટના વિવિધ લતા મહોલ્લામાં યોજાઈ ગયા. આ ચાર પથ સંચલનમાં ૭૫૦થી વધુ તરુણ અને બાલ સ્વયંસેવકો ગણવેશમાં જોડાયા.
પથ સંચાલનના રૂટ પર ઘોષના તાલે કદમથી કદમ મિલાવતા ગણવેશમાં શોભતા સંઘના સ્વયંસેવકોનું સ્વાગત કરવા અનેક સામાજિક સંસ્થાઓ મંડળો તથા સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. વિવિધ વિસ્તારવાસીઓ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા આ દેશભક્તિ પૂર્ણ સંચલનનું સ્વાગત કરી સ્વયંસેવકોને ફૂલડે વધાવ્યા. સાથો સાથ સંચાલન નિહાળી લોકોએ ભારત માતાના જય ઘોષ કર્યા. સાંજ ઢળી ગયા પછી નીકળતા સંચલનને સંઘમાં કૌમુદી સંચલન કહેવામાં આવે છે.
રાજકોટમાં ઘણા સમય પછી નટરાજ અને લક્ષ્મી વિસ્તારમાં કૌમુદી સંચલન નીકળ્યા હતા.



