
નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર સામે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપ કર્યા
“પ્રભારી મંત્રી તથા કેટલીક બહારની એજન્સીઓએ ફાઈલો ઘરે મંગાવીને પોતાની રીતે ૧૦ કરોડથી પણ વધુ રકમનું બિનજરૂરી બારોબાર આયોજન કરી દીધું” : ચૈતર વસાવા
સમગ્ર મામલાની તપાસ કરાવવા અને ફરી જિલ્લા આદિજાતી વિકાસ મંડળની બેઠક બોલાવવા ધારાસભ્ય ચૈતર વસાવાની માંગ
અંબાજીથી ઉમરગામની ટ્રાઇબલ સબપ્લાનની તમામ ગ્રાન્ટોમાં પ્રભારી મંત્રીઓ બહારની એજન્સીઓના ઈશારે કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે: ચૈતર વસાવા
રાજપીપળા: જુનેદ ખત્રી
ગુજરાત પેટર્ન યોજનાના વર્ષ 2024-25ના આયોજન માટે અગાઉની મિટિંગમાં ધારાસભ્ય સહિતના ચૂંટાયેલા સભ્યો તથા કલેકટર દ્વારા 30 કરોડના જે કામ નક્કી કરવામાં આવ્યા હતા, તે કામોને પ્રભારી મંત્રી દ્વારા ફાઈલોને ગાંધીનગર મંગાવીને રદ કરાવી દીધા હોવાના આક્ષેપ સાથે ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા. આ જ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ના આયોજન અને નર્મદા પ્રભારી મંત્રી દ્વારા ગેરરીતી કરવા બાબતે પત્ર લખ્યો હતો. આ પત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાત પેટર્ન યોજના વર્ષ: ૨૦૨૪-૨૫ નર્મદાના આયોજન અંગેની નર્મદા જિલ્લા આદિજાતી વિકાસ મંડળની બેઠક પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર, અધ્યક્ષ જિલ્લા આદિજાતી વિકાસ મંડળ અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને તા. ૧૨/૧૨/૨૦૨૪ નાં રોજ બપોર ના ૧૫:૦૦ કલાકે, સ્થળ: કોન્ફરન્સ હોલ કલેકટરની કચેરી નર્મદા ખાતે મળેલ હતી.
ગુજરાત પેટર્ન યોજના વર્ષ: ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષમાં નર્મદા જિલ્લાના લોકોના સુખાકારી માટે ૩૦૬૮ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. આ યોજનાના શર સદર સરકારના તા.૦૮/૦૫/૨૦૧૨ તથા તેને આનુષંગિક તા. ૧૦/૧૦/૨૦૨૪ ના સુધારેલા ઠરાવોની જોગવાઈઓ અનુસાર આ યોજનાના અમલ હેતુસર નર્મદા જિલ્લાની તાલુકા કક્ષાએ તાલુકા આદિજાતી વિકાસ સમિતિ દૈડીયાપાડા અને સાગબારાની તા. ૨૮/૧૧/૨૦૨૪ ના રોજ મળેલ. જેમાં નિયુક્ત સભ્યો સર્વ સંમતિથી મર્યાદાઓમાં આવરી સબંધિત અમલીકરણ અધિકારીઓને રજુ કરવામાં આવેલ હતું અને જિલ્લા આદિજાતી વિકાસ મંડળની બેઠકમાં બહાલી અર્થે રજુ કરી ચર્ચાઓને અંતે સત્ય સંમતિથી મંજુરીની આગળની કાર્યવાહીઓ હાથ ધરવા જિલ્લા આદિજાતી વિકાસ મંડળમાં સર્વાનુમતે ઠરાવ્યું હતું.
પરંતુ આ આયોજનમાં પ્રભારી મંત્રી તથા કેટલીક બહારની એજન્સીઓ આ ફાઈલો ઘરે મંગાવી, પોતાની રીતે ૧૦ કરોડથી પણ વધુ રકમનું બિન જરૂરી બારોબાર આયોજન કરી દીધેલ છે. અને અમલીકરણ અધિકારીઓ પર દબાણ લાવી દરખાસ્તો તૈયાર કરાવેલ છે. જેની તપાસ કરાવવા અને આ આયોજન ફરી જિલ્લા આદિજાતી વિકાસ મંડળની બેઠક બોલાવવા મારી માંગ છે. આ જ રીતે અંબાજીથી ઉમરગામની ટ્રાઇબલ સબપ્લાનની તમામ ગ્રાન્ટોમાં પ્રભારી મંત્રીઓએ બહારની એજન્સીઓના ઈશારે કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે તેવો આક્ષેપ ધારાસભ્યે કર્યો હતો




