વેલેન્ટાઈન ડે સ્પેશિયલ:પ્રેમ લગ્ન કરનાર ભરૂચના દંપતી હવે ગુલાબનો વેપાર કરી રહ્યા છે, બે બાળકોના માતા-પિતા બન્યા
સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં વેલેન્ટાઈન ડેના દિવસે એક અનોખી પ્રેમ કહાની સામે આવી છે. દાંડિયા બજાર વિસ્તારના મહેશ મરાઠા અને જ્યોતિનગરની રોશનીએ ચાર વર્ષ પહેલા પરિવારની વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા હતા. પરિવારનો વિરોધ હોવાથી બંનેએ ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. જોકે, સમય જતાં પરિવારજનોએ તેમના લગ્નને સ્વીકારી લીધા.
આજે આ દંપતી બે બાળકોના માતા-પિતા બની ચૂક્યા છે અને સાથે મળીને ગુલાબ અને ફૂલોનો વ્યવસાય કરી રહ્યા છે. વેલેન્ટાઈન ડેના ખાસ દિવસે મહેશે પોતાની પત્ની રોશનીને ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
મહેશે જણાવ્યું કે તે પ્રેમમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે. તેમના મતે પ્રેમ માત્ર પ્રેમી-પ્રેમિકા વચ્ચે જ નહીં, પરંતુ માતા-પિતા, ભાઈ-બહેન અને બાળકો સાથે પણ હોય છે. તેમણે કહ્યું કે પ્રેમ લગ્ન કરીને તે ખૂબ ખુશ છે અને તેમની પત્ની રોશની દરેક પળે તેમની સાથે રહે છે. રોશની પણ પતિના સુખ-દુઃખમાં સાથે રહી પોતાની પત્ની તરીકેની ફરજ નિભાવી રહી છે. આમ, વેલેન્ટાઈન ડેના દિવસે આ દંપતીની પ્રેમ કહાની અન્ય પ્રેમીઓ માટે પ્રેરણારૂપ બની રહી છે.