
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, ખેરગામના આચાર્ય ડૉ.એસ.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત એન.એસ.એસ. (N.S.S.) યુનિટના ઉપક્રમે લીમઝર પ્રાથમિક શાળા ખાતે “મફત સર્વરોગ આયુર્વેદિક/હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પ” યોજવામાં આવ્યો, જેમાં ડૉ.પાર્થ એસ. પટેલ (આયુર્વેદ મેડિકલ ઓફિસર-માંડવખડક), ડૉ.દિલીપભાઇ આહીર (આયુર્વેદ મેડિકલ ઓફિસર-કાકડવેલ), ડો.વંદનાબેન કે. પટેલ (આયુર્વેદ મેડિકલ ઓફિસર પાટી)ના સહયોગથી આયુર્વેદિક અને ડૉ.રોહિતભાઈ એચ. કટારીયા (હોમયોપેથિક મેડિકલ ઓફિસર વાંસદા) પોતાની ટીમ સહિત ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ ડૉ.દિલીપભાઈ આહીર દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન અંગે શિબિરાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. ત્યાર બાદ પોતાની ટીમ સહિત તેઓ દ્વારા વિવિધ રોગોની સારવાર માટે કેમ્પમાં ગોઠવણ કરવામાં આવી. જેનો લાભ શાળાના બાળકો, શિક્ષકો, ગ્રામજનો તથા શિબિરાર્થીઓએ લીધો હતો. આ કેમ્પમાં આયુર્વેદિક પદ્ધતિ દ્વારા સારવાર માટે ૧૯૭, હોમયોપેથિક પદ્ધતિ દ્વારા સારવાર માટે ૭૧ લાભાર્થીઓએ લાભ લીધો. તેમજ તેઓ દ્વારા આયુર્વેદિક પદ્ધતિથી તૈયાર કરેલ હર્બલ-ટી માટે ૩૯૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. સાથે જ મહિલાઓને થતાં ગંભીર રોગો વિષે ડો.વંદનાબેન કે. પટેલ (આયુર્વેદ મેડિકલ ઓફિસર પાટી) એ પ્રેઝન્ટેશન દ્વારા શિબિરાર્થી બહેનોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તેઓની ટીમ સાથે પધારેલ યોગા ટ્રેનર રોહિતભાઈ અને મનોજભાઈ ગરાસીયા દ્વારા શિબિરાર્થીઓ, શાળાના બાળકો તથા શાળા અને કૉલેજ સ્ટાફ સહિત તમામને માટે યોગાનું આયોજન કરવામાં આવ્યું.




