‘પરીક્ષા પાથેય 2025’નું ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલના હસ્તે લોકાર્પણ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ધોરણ-10ની બોર્ડ પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શિકા રૂપે ‘પરીક્ષા પાથેય 2025’નું સંકલન કરવામાં આવ્યું છે, જેનો લોકાર્પણ સમારંભ સાબરમતીના ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય અને જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મિશન સિદ્ધત્વ 2.0 અંતર્ગત તૈયાર કરાયેલા આ પાથેયમાં ગણિત (સ્ટાન્ડર્ડ અને બેઝિક), વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતી સહિતના પાંચ મુખ્ય વિષયોના રિવિઝન માટે ઉપયોગી સામગ્રી આપવામાં આવી છે. આ સાથે જ, અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના તમામ પરીક્ષા સ્થળોના લોકેશન અને બોર્ડ પરીક્ષા સંબંધિત મહત્વના સૂચનોનો પણ સમાવેશ કરાયો છે.
સ્વામીનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલ, રાણીપ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ‘પરીક્ષા પાથેય 2025’ના નિર્માણ બદલ જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ ગ્રામ્ય કૃપાબેન જહા અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલે વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સાથે જ, મક્કમ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું.
લોકાર્પણ કાર્યક્રમમાં 400 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પાથેય તમામ ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે સોફ્ટ કોપી અને હાર્ડ કોપી બંને સ્વરૂપે ઉપલબ્ધ રહેશે, જેથી તેઓ પરીક્ષા પહેલા આરામથી રિવિઝન કરી શકે.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ ગ્રામ્ય કૃપાબેન જહા, વરિષ્ઠ માર્ગદર્શક મનુભાઈ રાવલ, ગુણવંતભાઈ પટેલ, માણેકભાઈ પટેલ, શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પદાધિકારીઓ, શિક્ષકો અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા.








