નેપાળથી ભટકી આવેલ માનસિક રોગગ્રસ્ત ગર્ભવતી સાવિત્રીબહેનને એક નવી જીંદગી, 1 વર્ષ 10 મહિના બાદ પરિવાર સાથે પુનઃમિલન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
પાલનપુર રેલવે સ્ટેશન ખાતે ભટકી ગયેલી અને માનસિક રોગથી પીડાતી સાવિત્રીબહેન મનોજભાઈ વિશ્વકર્માને (નામ બદલ્યું છે) સતત સંઘર્ષ અને સચોટ દવાઓ દ્વારા તંદુરસ્ત જીવન તરફ પાછા ફરવાની તક મળી છે. 1 વર્ષ 10 મહિના બાદ, તેઓએ તેમના પરિવાર સાથે પુનઃમિલન સાધ્યું છે.
સાવિત્રીબહેનને સૌથી પહેલાં પાલનપુર નારી સંરક્ષણ ગૃહમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ તેમની ગંભીર માનસિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મે 2023માં અમદાવાદના ઓઢવ નારી સંરક્ષણ ગૃહ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ગર્ભવતી અને માનસિક બીમાર હોવાને કારણે શરુઆતમાં તેઓ પોતાના વિશે કંઈ પણ સમજાવી શકતા નહોતા. નારી ગૃહના સ્ટાફ દ્વારા સતત કાઉન્સેલિંગ અને સારસંભાળ બાદ તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો જોવા મળ્યો. ગર્ભાવસ્થાના અંતિમ તબક્કે, તેઓને 3 જૂન 2023ના રોજ અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે દીકરી નેહાને (નામ બદલ્યું છે) જન્મ આપ્યો.
બાળકના સંરક્ષણ માટે મહિપતરામ રૂપરામ આશ્રમમાં રાખવામાં આવ્યું, જ્યારે સાવિત્રીબહેનની ઓળખ અને ઘર શોધવાની પ્રક્રિયા ચાલી. લાંબી તપાસ અને સાવિત્રીબહેનના સ્વાસ્થ્યમાં સુધારા બાદ, ઓઢવ નારી સંરક્ષણ ગૃહ અને પોલીસે તેમના નેજા હેઠળ તેમને નેપાળના શાહપુર, રાબતી, નેપાલગંજ, રૂપેરીયા ખાતે તેમના કુટુંબ સુધી પહોંચાડ્યા.
1 ફેબ્રુઆરી 2025ના રોજ, સાવિત્રીબહેન અને તેમની દીકરી નેહાને તેમના કુટુંબના હવાલે સોંપવામાં આવ્યા. તેમના પિતા અને અન્ય પરિવારજનો સાથે તેમના પુનઃમિલનની આ ક્ષણ અત્યંત હૃદયસ્પર્શી બની હતી.
અહિયાં સુધીની સમગ્ર પ્રક્રિયામાં ઓઢવ નારી સંરક્ષણ ગૃહ, પોલીસ વિભાગ અને મહિલાઓ માટે કાર્યરત સંસ્થાઓએ ઉમદા કાર્ય કરી, એક નિરાધાર મહિલાને ફરીથી પરિવાર સાથે જોડવાનો મહત્ત્વપૂર્ણ પ્રયાસ કર્યો.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ચાલતા નારી સંરક્ષણ ગૃહ દ્વારા અનેક જરૂરતમંદ મહિલાઓને સહારો મળી રહ્યો છે, જે તેમની સુખદ ભવિષ્ય તરફની મુસાફરી માટે આશાની કિરણ બની રહે છે.






