BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
દારૂના કેસમાં ફરાર બુટલેગરની ધરપકડ:અંકલેશ્વર GIDCમાંથી 4.34 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી પકડાયા

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર GIDC પોલીસે પ્રોહિબિશન કેસમાં ફરાર થયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા તરીકે થઈ છે.
12 સપ્ટેમ્બરના રોજ પોલીસને બાતમી મળી હતી કે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતા બંને આરોપીઓ ઇક્કો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લાવ્યા છે. તેઓ ગોમતી નગરમાં આ જથ્થાનું વિતરણ કરી રહ્યા હતા. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 795 બોટલ મળી આવી હતી. પોલીસે ₹1.64 લાખનો દારૂ અને ઇક્કો કાર તેમજ મોપેડ સહિત કુલ ₹4.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. આજે પોલીસે સારંગપુર ખાતેથી બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.




