Rajkot: રાજકોટ સરકારી પોલીટેક્નિક દ્વારા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય પ્રદાન કરાઈ

તા.૨૧/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: દેશના વિકાસ માટે ઇનોવેશન આવશ્યક પ્રેરક બળ છે, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોલેજમાં અભ્યાસ કરતા યુવાનોને આત્મનિર્ભર બનવા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે સરકારશ્રીએ અનેકવિધ યોજનાઓ અમલી કરી છે.
જે અન્વયે રાજકોટ ખાતેની સરકારી પોલીટેક્નિકના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (SSIP) સેલ દ્વારા ગુજરાત નોલેજ સોસાયટી (GKS) ગાંધીનગરના સહયોગથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના વિવિધ વિભાગના કુલ ૧૫ પ્રોજેક્ટ માટે પ્રસ્તાવ મળ્યા હતા. જેમાંથી સ્ક્રૂટિની કમિટી દ્વારા કુલ ૯ પ્રોજેક્ટને ગુજરાત સરકારશ્રીના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (SSIP) હેઠળ તેમના પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ માટે પસંદ કરવા આવ્યા હતા. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ૪ પ્રોજેક્ટ, સિવિલ એન્જિનિયરિંગના કોંક્રિટ ડેવલપમેન્ટ માટે ૨ પ્રોજેક્ટ અને શિક્ષણક્ષેત્રને લગતા ૩ પ્રોજેક્ટ સામેલ હતા. વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય પુરી પાડવા માટે સંસ્થાના આચાર્યશ્રી ડો. એ. એસ. પંડ્યાના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યો હતો. અને તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો હતો, જેથી તેઓના ઈનોવેટિવ વિચારોને આર્થિક સહાય દ્વારા હકીકતમાં બદલી શકાય.
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (SSIP)ના નોડલ ઓફિસર શ્રી પી.ડી.પાંડે તેમજ વિવિધ વિભાગના વડાશ્રીઓ, અધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



