Rajkot: રાજકોટની શ્રીમતિ સરોજીની નાયડુ સ્કુલ ખાતે યોજાયો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

તા.૨૧/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
૪૫૦થી વધુ વિદ્યાર્થીઓને કારકીર્દિલક્ષી મુંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબો આપતા નિષ્ણાંતો
Rajkot: ગુજરાત રાજ્યનું દરેક બાળક પોતાના જીવનમાં આત્મનિર્ભર બને તેમજ દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહે તે માટે રાજ્ય સરકારે જુદી જુદી યોજનાઓનો અમલ કરાવ્યો છે. જે સંદર્ભે રાજકોટ શહેરની શ્રીમતિ સરોજીની નાયડુ સ્કુલ ખાતે રોજગાર કચેરી, સમગ્ર શિક્ષા અભિયાન, વ્યવસાયિક સંસ્થા અમદાવાદના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં શ્રીમતિ સરોજીની નાયડુ સ્કુલ, અમથીબાઈ સ્કુલ અને બારદાનવાલા સ્કુલના ૪૫૦ જેટલા વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવા કારકિર્દીલક્ષી વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શાળા સલાહકારશ્રી ભાવનાબેન ભોજાણીએ વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં આત્મનિર્ભર બનવા માટે પોતાના રસના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવા તેમજ જીવનમાં દરેક પરિસ્થિતિ સામે લડવા મજબુત મનોબળ રાખવા અનેક કિસ્સાઓના માધ્યમથી સમજાવ્યું હતું. વધુમાં તેઓએ સફળ વ્યક્તિઓના ઉદાહરણના માધ્યમથી શિક્ષણ, આત્મનિર્ભરતા અને કારકીર્દિના મહત્વ અંગે ખુબ જ ઊંડાણપૂર્વક વિદ્યાથીઓને માહિતગાર કર્યા હતા.
આ તકે રોજગાર કચેરીના કરિયર કાઉન્સિલરશ્રી રાજેશભાઈ ચૌહાણે રોજગાર કચેરી વિદ્યાર્થીઓને ધો.૧૦ અને ૧૨ પછી વિવિધ કોર્ષ વિશે તેમજ ધો.૧૦ અને ૧૨માં સારી ટકાવારી લેતા પોસ્ટ વિભાગમાં સીધી ભરતીથી નોકરી મળે તે અંગે વિસ્તૃત વર્ણન કર્યું હતું. ઉપરાંત, આઈ.ટી.આઈ.લક્ષી તમામ કોર્ષ અને એમ્લોયમેન્ટ કાર્ડ કઢાવવાની પ્રક્રિયા અંગે જાણકારી આપી હતી.
રોજગાર કચેરીના વિદેશી રોજગાર કાઉન્સિલરશ્રી હમીરભાઈ ચૌહાણે વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે જરૂરી તમામ કાર્યવાહી વિશે વિગતે માહિતી આપી હતી. ઉપરાંત, વિદેશ અભ્યાસ માટે લોન મેળવવા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓના ભાવિને મુંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબો શ્રી ભાવનાબેન, શ્રી રાજેશભાઈ, શ્રી હમીરભાઈ અને રાજકોટ કોર્પોરેશનના એસ.એસ.એ. વિભાગના ડી.આર.પી.શ્રી લકીરાજભાઈએ આપ્યા હતા. અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન એપરલ ટ્રેનર શ્રી દિપ્તીબેન ભીમાણીએ કર્યું હતું.
આ સેમીનારમાં શ્રીમતિ સરોજીની નાયડુ સ્કુલના આચાર્યશ્રી સોનલબેન ફળદુ, રાજકોટના ત્રણેય ઝોનના બી.આર.પી., વોકેશનલ વિષયના ટ્રેનર, ત્રણેય સ્કુલના શિક્ષકશ્રીઓ સહીત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





