અરણેજ ખાતે ખેડૂત સન્માન સમારોહ: ૧.૮૮ લાખ ખેડૂતોના ખાતામાં ૩૭.૬૧ કરોડ જમા

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજ ખાતે ખેડૂત સન્માન સમારોહ યોજાયો, જેમાં PM-KISAN યોજનાના ૧૯મા હપ્તા અંતર્ગત Ahmedabad જિલ્લાના 1,88,040 ખેડૂતોના ખાતામાં રૂ. 37.61 કરોડની રકમ જમા કરવામાં આવી.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ સંબોધન કર્યું, જ્યારે સંસદ ડૉ. હસમુખભાઈ પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક આહાર અપનાવવા માટે પ્રેરિત કર્યા. તેમણે જણાવ્યું કે, ધરતીની ફળદ્રુપતા, પાણીની ગુણવત્તા અને માનવ આરોગ્ય માટે પ્રાકૃતિક ખેતી જરૂરી છે.
સંસદે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર સતત ખેડૂતોના હિતમાં નિર્ણયો લઈ રહી છે. ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળતા થયા છે અને ટેકાના ભાવ જાહેર કરવામાં સરકારે મહત્વની ભૂમિકા ભજવી છે. રાજ્ય સરકાર દ્વારા નવનિર્મિત કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ પોર્ટલનો ઉલ્લેખ કરીને તેમણે ખેડૂતોને ટેક્નોલોજીનો લાભ લેવા અપીલ કરી.
કિસાન સન્માન સમારોહમાં રાજ્યના 51.41 લાખથી વધુ ખેડૂતો માટે રૂ. 1148 કરોડની રકમ DBT દ્વારા જમા કરવામાં આવી. આ તકે કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશનનું ઈ-લૉન્ચિંગ તથા તુવેર ખરીદીના શુભારંભ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું.
આ અવસર પર 18 કૃષિ સંલગ્ન સ્ટોલ્સનું નિર્દશન કરવામાં આવ્યું, જેનો મોટી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો. કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતો દ્વારા તેમના અનુભવ શેર કરાયા અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું. જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લા સ્તરે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ મકવાણા, સિંચાઈ સમિતિના ચેરમેન ફુલસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય કલ્પેશભાઈ સોલંકી, અગ્રણી જે.પી. વાઘેલા, જિલ્લા ખેતીવાડી અધિકારી હિતેશ પટેલ, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર કે.કે. પટેલ સહિતના અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતોએ હાજરી આપી.
ખેડૂતોને માહિતી મળી રહે તે માટે પ્રાકૃતિક ખેતી અને હોર્ટીકલ્ચર વિષયક ફિલ્મ પણ રજૂ કરવામાં આવી.








