RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પ્રધાનમંત્રી “કિસાન સન્માન નિધિ” યોજનાના ૬ વર્ષ સાંસદશ્રી પરસોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાકક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો

તા.૨૪/૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

સરકારી તિજોરીમાંથી દર વર્ષે ધરતીપુત્રોના બેંક ખાતામાં વચેટિયા વિના સીધા રૂ. ૬૦૦૦ની સહાય જમા થાય છે, જેનો શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ‘કૃષિ પ્રગતિ’ની પહેલ ડીજીટલ કૃષિ સિસ્ટમના હૃદય સમાન કામ કરશે

વિશ્વભરમાં કૃષિ ક્ષેત્રે ભારત અગ્રેસર રાષ્ટ્ર હોવાનો જશ ખેડૂતોની હથેળીમાં છે

૧૦ ખેડૂતોને કુલ રૂ. ૧૪.૫૬ લાખની સહાય અપાઈ : ૦૨ લાખથી વધુ ધરતીપુત્રોને સહાય અર્થે રૂ. ૪૦.૫૯ કરોડ જમા કરાયા

Rajkot: ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા “પ્રધાનમંત્રી કિસાન સન્માન” યોજનાનો ૧૯મો હપ્તો જમા કરવા માટે કિસાન સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે અન્વયે રાજકોટ જિલ્લાકક્ષાનો કિસાન સન્માન સમારોહ સાંસદશ્રી પરસોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં તરઘડિયામાં ત્રિમંદિર ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે સાંસદશ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી પદનો કાર્યભાર સાંભળ્યા બાદ આપેલા ‘દેશના ખેડૂતોની આવક બમણી કરવી છે’ વિધાનને સાર્થક કરવા કૃષિના વ્યાપલક્ષી નીતિગત પ્રયાસો હાથ ધરીને ઐતિહાસિક નિર્ણયો લીધા છે. જેના પગલે વર્ષ ૨૦૧૯માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવી છે. ત્યારે સરકારી તિજોરીમાંથી દર વર્ષે ધરતીપુત્રોના બેંક ખાતામાં વચેટિયા વિના સીધા રૂ. ૬૦૦૦ની સહાય જમા થાય છે, જેનો શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે.

સાંસદશ્રીએ ઉમેર્યું હતું કે, કૃષિ પાકોમાં છંટકાવ માટે ડ્રોન ટેકનોલોજીનો વપરાશ વધારવા ‘ડ્રોન દીદી યોજના’ દાખલ કરવામાં આવી છે, જેમાં મહિલા સશક્તિકરણનો મુખ્ય ઉદ્દેશ છે. ગુજરાતના એક ખેડૂતના દીકરાના નેનો ટેક્નોલોજીના પ્રયોગને બિરદાવીને વડાપ્રધાનશ્રીના સૂચનથી વિશ્વની સૌથી મોટી ઇકો કંપની દ્વારા નેનો યુરિયા અને નેનો ડી.એ.પી ખાતરનું સંશોધન કરવામાં આવે છે, જેના સરાહનીય પરિણામો પણ મળ્યા છે. આમ, ખેતીને લાભપ્રદ વ્યવસાય બનાવવાના સઘન પ્રયાસોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સફળ થયા છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોનો વિકાસ કરવા અને કૃષિ પ્રવૃતિને વેગ આપવા ડિજિટલ મોનિટરીંગ માટે ‘કૃષિ પ્રગતિ’ વેબ પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ‘કૃષિ પ્રગતિ’ની પહેલ ડીજીટલ કૃષિ સિસ્ટમના હૃદય સમાન કામ કરશે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા તાલીમ, પ્રવાસ, શિબિર, પરિસંવાદ, પ્રદર્શન-વેચાણનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વિશ્વભરમાં કૃષિ ક્ષેત્રે ભારત અગ્રેસર રાષ્ટ્ર હોવાનો જશ ખેડૂતોની હથેળીમાં છે, તેમ સાંસદશ્રી જણાવ્યું હતું.

નોંધનીય છે કે, આ કાર્યક્રમમાં વિવિધ તાલુકામાંથી આવેલા ૧૦ લાભાર્થી ખેડૂતોને કમ્બાઇન હાર્વેસ્ટર, પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન), ટ્રેક્ટર સહાય અને પંપસેટ માટે કુલ રૂ. ૧૪,૫૬,૭૩૨ રકમના ચેક આપવામાં આવ્યા હતા. તેમજ રાષ્ટ્રીયકક્ષાના કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના ૨,૦૨,૯૬૮ લાભાર્થીઓના સહાય હપ્તા અર્થે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કુલ રૂ. ૪૦ કરોડ ૫૯ લાખ રિલીઝ થયા હતા. આ કાર્યક્રમમાં ખેત, બાગાયત અને પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણ માટે ૧૦ સ્ટોલ રાખવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્યથી કરાયા બાદ મહાનુભાવોનું તુલસીના છોડથી અભિવાદન કરાયું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડિયાના વડાશ્રી ડો. જી. વી. મારવિયાએ શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું હતું. માલીયાસણની તાલુકા શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું. બિહાર ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં આયોજિત રાષ્ટ્રીયકક્ષા અને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયોજિત રાજ્યકક્ષાનો કાર્યક્રમ વર્ચ્યુઅલ નિહાળ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણી અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોષીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રી હિતેષભાઈ ગઢવીએ કર્યું હતું. તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તૃપ્તિબેન પટેલએ આભાર વિધિ કરી હતી.

આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, સંયુક્ત ખેતી નિયામકશ્રી એન. કે. ગાબાણી, સંયુક્ત ખેતી નિયામક (જમીન સંરક્ષણ)શ્રી ગૌરાંગભાઈ દવે, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) વી. પી. કોરાટ, નાયબ ખેતી નિયામક (તાલીમ)શ્રી એચ. ડી. વાદી, નાયબ બાગાયત નિયામકશ્રી રસિકભાઈ બોઘરા, કૃષિ વૈજ્ઞાનિકશ્રી ડો. જે. એચ. ચૌધરી, અગ્રણીશ્રી વિરલભાઈ પનારા સહિત અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!