GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પોસ્ટ વિભાગની પહેલ – મહાશિવરાત્રી પર સ્પીડ પોસ્ટથી મેળવો શ્રી સોમનાથ, શ્રી કાશી વિશ્વનાથ અને શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો પ્રસાદ

તા.૨૪/૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક ભક્ત ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ મેળવવાની ઇચ્છા રાખે છે. આ ઇચ્છા પરિપૂર્ણ કરવાં પોસ્ટ વિભાગની પહેલના ભાગરૂપે સ્પીડ પોસ્ટ સેવા દ્વારા, લોકો દેશના કોઈપણ ખૂણામાં, ગુજરાતના શ્રી સોમનાથ મંદિર, વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ મંદિર, અને ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિર નો પ્રસાદ ઘરે બેઠા મેળવી શકે છે.

ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આ અંગે માહિતી આપતાં જણાવ્યું છે કે, શ્રી સોમનાથ ટ્રસ્ટે ભારતીય ટપાલ વિભાગ સાથે ભક્તોને તેમના ઘરે પ્રસાદ પહોંચાડવા માટે કરાર કર્યો છે. આ કરાર હેઠળ, કોઈપણ ભક્ત રૂ. ૨૭૦ નો ઈ-મની ઓર્ડર મેનેજર, શ્રી સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણ, જિલ્લો- જૂનાગઢ, ગુજરાત- ૩૬૨૨૬૮ ને મોકલીને સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદ મંગાવી શકે છે. ઈ-મની ઓર્ડર પર “પ્રસાદ માટે બુકિંગ” લખેલું હોવું જોઈએ. ત્યારબાદ, શ્રી સોમનાથ ટ્રસ્ટ સંબંધિત ભક્તને સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદનું ૪૦૦ ગ્રામનું પેકેટ મોકલશે. આ પ્રસાદમાં ૨૦૦ ગ્રામ મગસના લાડુ, ૧૦૦ ગ્રામ તલની ચીક્કી અને ૧૦૦ ગ્રામ માવા ચીક્કી હશે.

શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ પણ સ્પીડ પોસ્ટ સેવા દ્વારા દેશભરના લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત, ફક્ત રૂ. ૨૫૧ નો ઈ-મની ઓર્ડર સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ પોસ્ટ ઓફિસ, વારાણસી (પૂર્વ) ડિવિઝન- ૨૨૧૦૦૧ ના નામે મોકલવાનો રહેશે. ઈ-મની ઓર્ડર મળ્યા પછી, પોસ્ટલ વિભાગ દ્વારા પ્રસાદ તરત જ સ્પીડ પોસ્ટ દ્વારા આપેલા સરનામે મોકલવામાં આવશે. ભારતીય ડાક સેવાના વરિષ્ઠ અધિકારી શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પ્રસાદમાં શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની છબી, મહામૃત્યુંજય યંત્ર, શ્રી શિવ ચાલીસા, ૧૦૮ દાણાની રુદ્રાક્ષ માળા, બેલપત્ર, માતા અન્નપૂર્ણા પાસેથી ભિક્ષા માંગતા ભોલે બાબાની છબી ધરાવતો સિક્કો, ભભૂતિ, રક્ષાસૂત્ર, રુદ્રાક્ષ મણકા, મેવા, સાકરનું પેકેટ વગેરેનો સમાવેશ થાય છે.

ઉજ્જૈનના પ્રખ્યાત શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનો પ્રસાદ પણ પોસ્ટ દ્વારા મંગાવી શકાય છે. આ માટે, મેનેજેર, સ્પીડ પોસ્ટ સેન્ટર, ઉજ્જૈનને રૂ. ૨૫૧ નો ઈ-મની ઓર્ડર મોકલવાનો રહેશે અને બદલામાં ત્યાંથી સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદ મોકલવામાં આવશે. આ પ્રસાદમાં ૨૦૦ ગ્રામ લાડુ, ભભૂતિ અને ભગવાન શ્રી મહાકાલેશ્વરજીની છબીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, મહાશિવરાત્રી પર પોસ્ટ ઓફિસમાંથી ગંગાજળની સુવિધા પણ ઉપલબ્ધ છે. ૨૫૦ મિલી ગંગાજળની બોટલ ફક્ત ૩૦ રૂપિયામાં મેળવી શકાય છે. પોસ્ટ વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓને સ્પીડ પોસ્ટની વિગતો તેમના મોબાઇલ નંબર પર SMS દ્વારા મળી રહે તે માટે, ભક્તોએ ઈ-મની ઓર્ડરમાં પોતાનું પૂરું સરનામું, પિન કોડ અને મોબાઇલ નંબર લખવો ફરજિયાત રહેશે તેમ શ્રી શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!