Rajkot: રાજકોટ જિલ્લાના લોકોને સપનાનું ઘર મેળવવાની વધુ એક તક રાજકોટ જિલ્લાના ૫૪૩ ગામોના પી.એમ.આવાસ અંતર્ગત સર્વેક્ષણ કરાયું: ૩૮૭૨ લાભાર્થીઓને મળશે ઘરનું ઘર

તા. ૧૭/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત રાજકોટ જિલ્લામાં કાચા મકાન સહિતના ઘરવિહોણા જરૂરિયાતમંદ પરિવારોને પોતાના સપનાંનું ઘર મળી રહે તે હેતુથી આવાસ પ્લસ-૨૦૨૪ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૩૮૭૨ લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી. સર્વેક્ષણમાં પડધરી તાલુકામાં સૌથી વધુ ૬૭૧ લાભાર્થીઓ અને કોટડાસાંગાણી તાલુકામાં સૌથી ઓછા ૧૧૨ લાભાર્થીઓ નોંધાયા હતા.
રાજકોટ જિલ્લાની ૫૪૩ ગ્રામ પંચાયતમાં ઘરવિહોણા લોકોને પાકું ઘર મળે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળની તાલુકા પંચાયત કચેરી દ્વારા સર્વેક્ષણની કામગીરી તાલુકા કક્ષાએથી નિયુક્ત કરેલ સર્વેયરો દ્વારા ઓનલાઈન એપ મારફત કરવામાં આવી હતી. વધુમાં વધુ લોકોનું સ્ક્રીનીંગ થાય અને વધુમાં વધુ લાભાર્થીઓને યોજનાનો લાભ મળે તે માટે નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જેઓને ખુલ્લો પ્લોટ હોય, કાચું મકાન હોય તેવા ગરીબ પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત તેમનું પાકું મકાન બનાવવા માટે રૂા . ૧.૨૦ લાખની આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં લાભાર્થીનું આવાસ મંજુર થયે એડવાન્સ પેટે રૂા.૩૦,૦૦૦/- ત્યારબાદ આવાસમાં પ્લીન્થ સુધીના બાંધકામ થવાથી રૂ. ૮૦,૦૦૦/- અને પ્લાસ્ટર સાથે પૂર્ણ થાય ત્યારે રૂ.૧૦,૦૦૦/- ની ચુકવણી કરવામાં આવે છે. તદ્દઉપરાંત આવાસ મંજુર થયાના પહેલો હપ્તો રૂા .૩૦,૦૦૦/- ચૂકવ્યાની તારીખથી ૬(છ) મહિનાથી ઓછા સમયમાં આવાસ પૂર્ણ કરવામાં આવે તો મુખ્યમંત્રી આવાસ પ્રોત્સાહક સહાય પેટે રૂા.૨૦,૦૦૦/- ચુકવવામાં આવે છે. મનરેગા યોજના હેઠળ લાભાર્થીને મજુરી પેટે પ્રતિ દિન રૂા.૨૮૦/- લેખે ૯૦ દિવસની રોજગારી પણ ચુકવવામાં આવે છે.
આવાસ સાથે જ સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ લાભાર્થી શૌચાલય બનાવે તો રૂ।.૧૨,૦૦૦/- લેખે સહાય તેમજ બાથરૂમ બાંધકામ કરવામાં આવે તો રૂા.૫,૦૦૦/- અલગથી ચુકવવામાં આવે છે. આમ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ કુલ રૂ।.૧,૮૨,૦૦૦/- રૂપિયાની સરકારશ્રી દ્વારા આવાસ સહાય આપવામાં આવે છે. ત્યારે રાજકોટ જિલ્લાના બાકી રહી જતા લાભાર્થીઓને પણ ગ્રામપંચાયત કે તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરી પોતાના નામની નોંધણી કરાવવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ.કે.વસ્તાણીની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવે છે




