DEVBHOOMI DWARKADWARKA

દ્વારકા ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઇ

મહિલાઓના સશકિતકરણ માટેની સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મહિલાલક્ષી કાયદાઓ સહિતની માહિતી આપવામાં આવી

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર હસ્તકની યોજનાઓના પ્રચાર પ્રસાર કરવાના હેતુ સાથે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ દ્વારકા ખાતે મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી  ડો.સી.ડી.‌ભાંભી દ્વારા મહિલાઓના સશકિતકરણ માટેની સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા મહિલા આર્થિક વિકાસ નિગમની મહિલા સ્વાવલંબન યોજના તેમજ મહિલાલક્ષી કાયદાઓની માહિતી આપવામાં આવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકનાં નેશનલ રૂરલ લાઇવલીહૂડ મિશનમાંથી ઇન્ચાર્જ તાલુકા લાઇવલીહુડ મેનેજર શિવાંગીબેન ગોસાઈ દ્વારા મહિલાઓને સખીમંડળથી થતા લાભો અને મંડળ અંતર્ગત‌ મળતી વિવિધ લોન સહાયની માહિતી આપવામાં આવેલ તેમજ વિવિધ ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા સખીમંડળના બહેનોને માર્ગદર્શન આપ્યું હતું.

દ્વારકા આઈ.ટી.આઈમાંથી ઉપસ્થિત એસ.આઇ ભારતીબેન સોજિત્રા અને પુષ્પાબેન પિંડારીયા  દ્વારા કિશોરીઓને આઈ.ટી.આઈમાં ચાલતા મહિલાઓ માટેના વિવિધ ટ્રેડની અને અભ્યાસક્રમની માહિતી આપવામાં આવી હતી. આઈ.સી.ડી.એસમાંથી ઉપસ્થિત ઇ.ચા.સી.ડી.પી.ઓ. નિરૂપાબેન દ્વારા બાળકો, કિશોરીઓ અને મહિલાઓને આંગણવાડીમાંથી આપવામાં આવતી વિવિધ સેવાઓની માહિતી તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વગેરેની માહિતી આપવામાં આવી હતી.

આ જાગૃતિ શિબિરમાં ગ્રામ વિકાસ ટ્રસ્ટના ઓસડ સગંઠ્ન ખજાનચી તેમજ અન્ય કર્મચારી, દ્વારકા તાલુકાના વિવિધ સખી મંડળની બહેનો, કિશોરીઓ, આંગણવાડી કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!