
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ એસપીએ બે દિવસ પહેલાં ઉદ્યોગકારો સાથે બેઠક યોજી જાહેરમાં કેમિકલ વેસ્ટનો નિકાલ નહિ કરવા સૂચના આપી હતી પણ શેઠની શીખામણ ઝાપા સુધી હોય તેમ પોલીસે પાનોલી નજીકથી 3,700 કિલોથી વધારે કેમિકલ વેસ્ટ સાથે ટેમ્પો ડ્રાઇવરને ઝડપી પાડયો છે. આ વેસ્ટને અંકલેશ્વરના અંસાર માર્કેટમાંથી કોસંબા ખાતે લઇ જવામાં આવી રહયો હતો. એસઓજી પોલીસની ટીમને એક ટેમ્પા માં ભૂરા રંગનું હેઝાર્ડસ વેસ્ટ ભરી અંકલેશ્વરથી કોસંબા તરફ મોકલાઇ રહયું હોવાની માહિતી મળી હતી. પોલીસે પાનોલીના બાકરોલ બ્રિજ પાસે વોચ ગોઠવીને ટેમ્પાને રોકયો હતો. ટેમ્પોના ડ્રાઇવર પીરમહંમદની પૂછપરછ કરવામાં આવતાં તેણે પ્રથમ તો ગલ્લાતલ્લા કર્યા હતાં પણ બાદમાં વટાણા વેરી દીધા હતાં. તેણે કેમિકલ વેસ્ટ અંસાર માર્કેટના જાકીર હુસેન ને ત્યાં થી ભરી કોસંબા ખાતે યાકુબ મામુ હાટોડાને નિકાલ કરવા આપવા માટે લઇ જવામાં આવી રહ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 3,700 કિલોથી વધારે વેસ્ટ તથા ટેમ્પો મળી કુલ 3.22 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ ભરૂચ એસપી મયુર ચાવડાએ ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને કેમિકલ તથા જોખમી કચરાનો જાહેરમાં નિકાલ નહિ કરવા સૂચના આપી હતી તેમ છતાં કેમિકલ માફિયાઓ બિન્દાસ્ત જણાય રહયાં છે. ઉકાઇ કેનાલમાં 5 હજાર લીટર કેમિકલ વેસ્ટ ઠલવાયું હતું થોડા દિવસો પહેલાં જ ઉકાઇ જમણા કાંઠાની કેનાલમાં બાકરોલ ગામ પાસે કેનાલમાં 5,000 લીટર કેમિકલ વેસ્ટનો નિકાલ કરી દેવાયો હતો. જે બાદ પોલીસે અંસાર માર્કેટ સહિતના બજારો તથા ગોડાઉનોમાં તપાસ આદરી હતી. જયારે એસપીએ ઉદ્યોગકારો સાથે બેઠક યોજી કેમિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ નહિ કરવા તાકીદ કરી પણ હજી સ્થિતિ બદલાઇ નથી.



