
સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં દહેજ તરફ જતી જીટીપીટીસીએલના કર્મચારીઓને લઈ જતી લક્ઝરી બસમાં આજે બપોરે અચાનક આગ લાગી હતી. ઈકરા સ્કૂલ નજીક બસમાંથી ધુમાડો નીકળતા ડ્રાઈવરે તરત જ બસને રોડની સાઈડમાં ઉભી રાખી હતી.
ડ્રાઈવરની સૂઝબૂઝથી તમામ કર્મચારીઓને સલામત રીતે બસની બહાર કાઢવામાં આવ્યાં હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. જો કે, બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કારણે બસ માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે. સમયસર કર્મચારીઓને બચાવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી.



