જિલ્લા કક્ષાના સ્પે.મહાકુંભમાં માનવ કલ્યાણ ટ્રસ્ટ “મમતા મંદિર”ના મૂક-બધિર તથા મનોદિવ્યાંગ બાળકોએ 89 મેડલો મેળવ્યા
*25 ગોલ્ડ, 33-સિલ્વર અને 31 બ્રોન્ઝ મેડલ જીતી બાળકોએ રમતના દરેક તબક્કે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું*
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રમશે ગુજરાત…જીતશે ગુજરાત રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત વિકાસ અધિકારી નવસારીના સંયુક્ત ઉપક્રમે ગત તા. 7 થી 8 ફેબ્રુઆરી 2025 દરમ્યાન મૂક-બધિર બાળકો માટે તથા તા. 10 થી 11 ફેબ્રુઆરી 2025 દરમ્યાન બૌદ્ધિક અક્ષમતા ધરાવતા દિવ્યાંગ બાળકો (I.D.કક્ષા) માટે ડિસ્ટ્રીક્ટ સ્પે. ખેલમહાકુંભ 3.0નું આયોજન કે.વી. એસ. મહેતા હાઈસ્કૂલ ખારેલ, ગણદેવા, નવસારી ખાતે કરવામાં આવ્યું હતું.આ સ્પે. ખેલ મહાકુંભમાં માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત શ્રી પ્ર.સ.કોઠારી બહેરા-મુંગા વિવિધલક્ષી વિદ્યાલય તથા મંદબુદ્ધિના બાળકોની વિવિધલક્ષી વિદ્યાલય, વિજલપોર, નવસારીના મૂક-બધિર 22 તથા મનોદિવ્યાંગ 224 બાળકો મળી કુલ-244 બાળકોએ વિવિધ એથ્લેટીક્સ અને સાંગિક રમતોમાં ભાગ લીધો હતો.
બાળકોએ રમતના દરેક તબક્કે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી આ રમતોત્સવમાં પ્રથમ-25, દ્વિતિય-33 અને તૃતિય-31 મળી કુલ-89 મેડલો પ્રાપ્ત કરી અદ્વિતિય સિદ્ધિ હાંસલ કરી શાળા પરિવાર તથા નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે.
દરેક સ્પર્ધાઓ દરમ્યાન શાળાના આચાર્ય શ્રી, સ્ટાફગણ તથા સેવકોએ મેદાન પર હાજર રહી બાળકોને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોએ મેળવેલ આ સિદ્ધિ માટે સંસ્થાના ટ્રસ્ટીગણ, તથા “મમતા મંદિર” પરિવાર તથા સમગ્ર નવસારી જિલ્લા તંત્રે બાળકોને અભિનંદન પાઠવી ભવિષ્યમાં યોજાનાર સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.