ભરૂચ જિલ્લા ભાજપમાં નવી નિમણૂક:પ્રકાશ મોદી જિલ્લા પ્રમુખ બન્યા, RSS આગેવાન શિરીષ બંગાળીના સાળા

સમીર પટેલ, ભરૂચ
ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન પર્વ અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે પ્રકાશ મોદીની વરણી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલે ભરૂચના આત્મીય હોલમાં મળેલી સંકલન બેઠકમાં આ જાહેરાત કરી હતી.
પ્રકાશ મોદી વ્યવસાયે વકીલ છે. તેઓ ભાજપના પાયાના કાર્યકર છે અને હાલમાં રાષ્ટ્રીય જન સંપર્ક અભિયાનના પ્રદેશ સંયોજક તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ RSS આગેવાન અને ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સ્વ. શિરીષ બંગાળીના સાળા છે. ઉલ્લેખનીય છે કે શિરીષ બંગાળી પર ડી-ગેંગે હુમલો કર્યો હતો જેમાં તેમનું મૃત્યુ થયું હતું. તે સમયે ડી-ગેંગની હિટલિસ્ટમાં પ્રકાશ મોદીનું નામ પણ હતું, જેના કારણે તેમને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હતું.
નિવૃત્ત થયેલા જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાના કાર્યકાળમાં ભાજપે ભરૂચ જિલ્લામાં ઐતિહાસિક સફળતા મેળવી હતી. પાર્ટીએ પાંચ વિધાનસભા બેઠકો, જિલ્લા પંચાયત, નવ તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાઓમાં વિજય મેળવ્યો હતો. હવે પ્રકાશ મોદી માટે આ પ્રદર્શન જાળવી રાખવાનું મોટું પડકાર બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેખાવમાં સામ્યતા ધરાવતા પ્રકાશ મોદી ભરૂચમાં જાણીતો ચહેરો છે.




