નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યા રોકવા માગ:બ્રિજની બંને બાજુ સુરક્ષા જાળી મૂકવા નાગરિકોની રજૂઆત, 8 મહિનાથી કોઈ કાર્યવાહી નહીં

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી વારંવાર થતી આત્મહત્યાના બનાવોને રોકવા માટે સ્થાનિક નાગરિકોએ માંગ ઉઠાવી છે. આ બ્રિજ જુલાઈ 2021થી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારથી અહીં વારંવાર આત્મહત્યાના બનાવો બની રહ્યા છે.
માત્ર ભરૂચ જિલ્લામાંથી જ નહીં, પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો અહીં આત્મહત્યા કરવા આવે છે. આ ગંભીર સમસ્યાના નિવારણ માટે ગત 12 જૂન 2023ના રોજ જાગૃત નાગરિક યોગી પટેલ દ્વારા જિલ્લા કલેક્ટર અને માર્ગ-મકાન વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં બ્રિજની બંને બાજુ સુરક્ષા જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી.
આઠ મહિના વીતી ગયા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો સમયસર આ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોત તો અનેક લોકોના જીવ બચાવી શકાયા હોત. નાગરિકોની માંગ છે કે ગુજરાત સરકાર, ભરૂચ જિલ્લા કલેક્ટર અને માર્ગ-મકાન વિભાગ આ મુદ્દે ગંભીરતાથી વિચારે. બ્રિજ પર તાત્કાલિક ધોરણે યોગ્ય ઊંચાઈની સુરક્ષા જાળી કે અન્ય અવરોધક વ્યવસ્થા ગોઠવવામાં આવે. આ પગલાંથી આત્મહત્યાના બનાવો અટકશે અને નર્મદા મૈયા બ્રિજને લાગેલું કલંક દૂર થશે.



