સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી તરીકે કાર્યભાર સંભાળતા અમિત અરોરા

સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી તરીકે કાર્યભાર સંભાળતા અમિત અરોરા
રાજપીપળા : જુનેદ ખત્રી
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ,એકતા નગરના મુખ્ય કારોબારી અધિકારી તરીકે કચ્છ જિલ્લાના કલેક્ટર અમિત અરોરા (IAS) ની બદલી સાથે નિમણૂંક થતા નવનિયુક્ત અમિત અરોરાએ ગઇકાલે એકતા નગર ખાતે મુખ્ય કારોબારી અધિકારી તરીકેનો કાર્યભાર (હવાલો) સંભાળી લીધેલ છે.
ભારતીય સનદી સેવાઓમાં સને-2012 ની સાલમાં પસંદગી પામેલા અમિત અરોરા સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી મદદનીશ કલેક્ટર અને સબ-ડિવીઝનલ મેજીસ્ટ્રેટ તરીકે નિમણૂંક પામી તેમની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ઉત્તરપ્રદેશ રાજ્યના બરેલીના વતની અને આઈઆઈટી મુંબઈથી કોમ્પ્યુટર સાયન્સમાં એમ.ટેકની પદવી ધરાવતા અને 38 વર્ષની યુવા વયના અમિત અરોરા ખૂબજ મહેનતૂ અને ઉત્સાહી સનદી અધિકારી હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને તેમની વિશિષ્ટ સેવાઓનો પણ વિશેષ લાભ મળી રહેશે, તેઓએ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી. મ્યુનિસિપલ કમિશ્નર રાજકોટ,કલેક્ટર પંચમહાલ અને કચ્છ જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરીથી લોકચાહના મેળવી છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તરીકેના કાર્યકાળ દરમ્યાન અનેકવિધ નવિન પ્રકલ્પો અને માળખાકીય સુવિધાના કામોનો બહોળો અનુભવ ધરાવતા હોવાથી એકતા નગર વિસ્તારમાં હાલમાં કાર્યરાત પ્રકલ્પોને વધારે વેગ મળશે અને નવા નિર્માણ પામનાર પ્રકલ્પોનું સુચારુરુપે અમલીકરણ થશે તે નિશ્ચિત છે.
મુખ્ય કારોબારી અધિકારી તરીકેનો હવાલો સંભાળ્યા બાદ અમિત અરોરાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીનો ચિતાર મેળવ્યો હતો અને અત્રે ચાલી રહેલા કામોની માહિતી મેળવીને માર્ગદર્શન પૂરું પાડયુ હતું.
હવાલો સંભાળ્યા બાદ તેઓએ સત્તામંડળના ઉચ્ચ અધિકારીઓ સાથે ગોરા ગામ ખાતે નર્મદા કિનારે પવિત્ર માં નર્મદા મહા આરતીમાં સહભાગી થઇ કાર્યકાળના પ્રથમ દિવસે માં નર્મદાને શિશ ઝુકાવીને આશિષ પ્રાપ્ત કર્યા હતા.
અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતના પ્રધાનમંત્રીની પરિકલ્પના છે તેઓના માર્ગદર્શનમાં એકતા નગરને વૈશ્વિકકક્ષાનું પ્રવાસનધામ બનાવવા માટે સૌને પોતાના ટીમવર્ક થકી સક્રિય પ્રયત્નોને આગળ વધારવા આહવાન કર્યું હતું અને સૌની કામગીરી સ્થાનિક પ્રજાજનો અને પ્રવાસીલક્ષી બનાવવા પ્રયાસો રહેશે તેમ જણાવ્યું હતું. આ વર્ષ દેશના પ્રથમ ગૃહ અને ઉપપ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિનું વર્ષ છે ત્યારે આ વર્ષ દરમ્યાન સૌએ વિશેષ પ્રયત્નો હાથ ધરી એક ટીમ બનીને કામ કરવા આહવાન કર્યું હતું.




