GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: માનવીય અભિગમ સાથે રસીકરણને સર્વે માટે શક્ય બનાવતો ૧૬ માર્ચ – રાષ્ટ્રીય રસીકરણ દિવસ

તા.૧૫/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન: દિવ્યા ત્રિવેદી

રાજકોટ જિલ્‍લામાં “ખિલખિલાટ રસીકરણ અભિયાન” દ્રારા રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી: બાળકોને ઓરી-નૂરબીબીથી રક્ષિત કરાશે

Rajkot: “રસી” શબ્દ આજના સમયમાં જરા પણ અજાણ્યો નથી, એક રસીની મહત્તા આપણે સૌએ કોરોના કાળમાં જાણી છે, ત્યારે અબાલ-વૃદ્ધ સૌને રક્ષણ આપતી પોલિયો રસીના મહત્વને વિશેષ દિન સાથે જોડી ભારતમાં દર વર્ષે ૧૬મી માર્ચને “રાષ્ટ્રીય રસીકરણ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

આજની તારીખના ઇતિહાસની વાત કરીએ તો, વર્ષ ૧૯૯૫માં ભારતમાં આજના દિવસે પ્રથમવાર પોલીયોની રસી આપવામાં આવી હતી. તેના અનુસંધાને દેશમાં દર વર્ષે ૧૬ માર્ચને “રાષ્ટ્રીય રસીકરણ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ “માનવીય અભિગમથી રસીકરણને સર્વે માટે શક્ય બનાવીએ” અંતર્ગત વર્ષ દરમિયાન આપવામાં આવતી રસીકરણની સેવાઓથી કોઈ કારણોસર વંચિત રહી ગયેલા બાળકોને ખાસ ઝુંબેશ દ્વારા શોધી રસી આપવામાં આવશે.

રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ સર્ગભા બહેનોને ધનુર અને ડિપ્થેરિયા જ્યારે બાળકોને થતાં ઓરી, નૂરબીબી, ઝેરી કમળો, બાળ ટી.બી., પોલિયો, ડિપ્થેરિયા, ઉટાંટિયું, ધનુર, હીબબેક્ટેરિયાથી થતાં (ન્યૂમોનિયા અને મગજના તાવ) જેવા રોગ, ન્યૂમોકોકલથી થતાં ન્યુમોનિયા, રોટા વાયરસથી થતાં ઝાડા જેવા ૧૧ રોગ સામે રોગ પ્રતિકારક રસી આપવામાં આવે છે. આ રોગ પ્રતિરોધક રસીઓ ગંભીર રોગો સામે સુરક્ષા આપતી હોવાથી, બાળકો અને સગર્ભાઓનું સરકાર દ્વારા વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવે છે.

રાજકોટ જિલ્‍લામાં “રાષ્ટ્રીય રસીકરણ દિવસ”ની ઉજવણી અંતર્ગત આ વર્ષે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિશિષ્ટ “ખિલખિલાટ રસીકરણ અભિયાન” હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તા. ૧૫ તથા ૧૬ માર્ચે બે દિવસમાં ઓરી- નૂરબીબી (મિસલ્સ-રુબેલા)ની રસીથી વંચિત રહી ગયેલા ૯ માસથી પાંચ વર્ષ સુધીના બાળકોને રસીકરણથી રક્ષિત કરવામાં આવી રહ્યા છે. રસીકરણ માટે આરોગ્ય તંત્ર દ્વારા અગાઉથી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. જે મુજબ ૯-માસના ૨૩૦ બાળકોને ઓરી- નૂરબીબીની રસીનો પહેલો ડોઝ અને ૧૬ થી ૨૪ માસ સુધીના ૨૨૮ બાળકોને રસીનો બીજો ડોઝ બાકી હોવાનું સર્વેક્ષણ થતા આ તમામનું ૧૦૧ સેશન દ્વારા રસીકરણ કરવામાં આવશે.

પરિવારના સ્થળાંતર, વાલીઓનું રસીથી અજાણ હોવું વગેરે કારણોથી આ તમામ બાળકો રસીકરણથી વંચિત હતા, જેને ખાસ સર્વેક્ષણ કરી વાલીઓને કાઉન્સિલિંગ દ્વારા રોગ અને રસી વિશે સમજાવી આરોગ્ય તંત્ર દ્વારા બે દિવસ ઝુંબેશ થકી રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આમ, રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિત્તે જિલ્લાના બાળકોને રસીરૂપી કવચ આપીને સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!