નાઈટ ક્લબમાં આગ લાગતાં 51 લોકો જીવતા ભૂંજાયા

નાઈટ ક્લબમાં એન્જોય કરવા ગયેલા ક્યાં ખબર હતી કે મોત તેમની રાહ જોઈને બેઠું છે અને તેઓ ખૂબ દર્દનાક રીતે મરશે. ગ્રીસ નજીકના દેશ મેસેડોનિયાના કોકેની શહેરની એક નાઈટ ક્લબમાં ભયાનક આગ(fire) લાગતાં 51થી વધુ લોકો જીવતાં સળગી ગયાં હતા અને સેંકડો લોકો દાઝ્યાં હતા. ભયાનક આગ લાગી ત્યારે નાઈટ ક્લબમાં 1500થી વધુ લોકો હાજર હતા.
સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં નાઈટ ક્લબને આગની જ્વાળાઓમાં ઘેરાયેલી જોઈ શકાય છે. જોકે રાતના સમયે પણ ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દેખાઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 50 થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યાની માહિતી છે જ્યારે ઘાયલોનો આંકડો પણ મોટો છે. જોકે હજુ સુધી મોતનો સાચો આંકડો સામે આવી શક્યો નથી.
નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગ ટૂંક સમયમાં ક્લબની છત સુધી ફેલાઈ ગઈ, જેના કારણે આગ વધુ તીવ્ર બની. અહેવાલો અનુસાર, આગ લાગી ત્યારે ક્લબમાં લગભગ 1,500 લોકો હાજર હતા.
મેસેડોનિયાની મીડિયા ઇન્ફર્મેશન એજન્સી (MIA) એ અહેવાલ આપ્યો છે કે 15 માર્ચે મોડી રાત્રે ક્લબમાં બેન્ડ DNA દ્વારા કોન્સર્ટ દરમિયાન ફટાકડા ફોડવામાં આવતા નાઇટક્લબમાં આગ લાગી હતી. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં નાઈટક્લબની નજીક મોટી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા, જ્યારે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોકાની શહેર મેસેડોનિયાની રાજધાની સ્કોપજેથી લગભગ 100 કિલોમીટર પૂર્વમાં સ્થિત છે.




