ગોધરા ખાતે સમાન સિવિલ કોડના (UCC) લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે નાગરિકોના અભિપ્રાયો મેળવવા સમિતિના સભ્યોએ યોજી બેઠક
સમાન સિવિલ કોડ અંગે સમિતિ સમક્ષ જિલ્લાના અગ્રણીઓ, જન પ્રતિનિધિઓ, વ્યવસાયકારો અને વિવિધ ધર્મના આગેવાનોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ લોકોના પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યાં છે, જેના ભાગરૂપે આજે સમાન સિવિલ કોડ સમિતિની પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે બેઠક યોજાઈ હતી. સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરીયાતનું મૂલ્યાંકન કરવા માટે UCC સમિતિ દ્વારા નાગરિકો, અગ્રણીઓ, જન પ્રતિનિધિઓ, વિવિધ ધર્મના અગ્રણીઓ, રાજકીય પક્ષોના પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે.
પંચમહાલના ગોધરા ખાતે સમાન સિવિલ કોડ સમિતિના સભ્યો શ્રીમતી ગીતાબેન શ્રોફ અને શ્રી દક્ષેશ ઠાકરની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ, સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ, રાજકીય પક્ષો, વ્યવસાયકારો અને નાગરિકો સાથે બેઠક યોજાઈ હતી.
સમિતિના સભ્ય શ્રીમતી ગીતાબેન શ્રોફે જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડની રચના પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખુબ જ જરૂરી છે. જરૂરિયાતનું મૂલ્યાંકન પછી સમાનતા, મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને UCC નો મુસદ્દો તૈયાર કરવામાં આવશે. નાગરિકો પાસેથી મળેલા અભિપ્રાયોના અભ્યાસ બાદ સમિતિ UCC અંગેનો વિસ્તૃત અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરશે.
શ્રી દક્ષેશ ઠાકરે જણાવ્યું હતું કે રાજ્યનો કોઈપણ નાગરિક યુસીસી કાયદા માટે “યુસીસી કમિટી, કર્મયોગી ભવન, બ્લોક નંબર – ૧,છઠ્ઠા માળ, સેક્ટર ૧૦- એ, ગાંધીનગર” ખાતે પત્ર દ્વારા પોતાના વિચારો મંતવ્યો રજૂ કરી શકશે. આ ઉપરાંત યુસીસી કાયદાના પોર્ટલ http://uccgujarat.in ઉપર પણ પોતાના સૂચન રજૂ કરી શકશે. તેમણે પંચમહાલ જિલ્લાના વધુમાં વધુ નાગરિકોને સમાન સિવિલ કોડ કાયદા સંબંધે પોતાના મંતવ્ય રજૂ કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના રજીસ્ટ્રારશ્રી, વિવિધ મંડળના પ્રોવોસ્ટશ્રી, જિલ્લાના સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ, ધાર્મિક આગેવાનો, તબીબો, વકીલો, સામાજિક કાર્યકરો, લાયન્સ ક્લબ, નગર એસોસિએશનના પ્રમુખ દ્વારા લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લીવ-ઈન રિલેશનશિપ અને તેમાં મહિલાઓના અધિકારો, નાણાંકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર UCC સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતાં.
પ્રારંભમાં જિલ્લા કલેકટર આશિષકુમાર એ સમિતિના સભ્યોનો આવકાર કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ, નિવાસી અધિક કલેકટર ડી.એમ.દેસાઈ, પ્રાંત અધિકારી સર્વશ્રી, નાયબ કલેક્ટર તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.