DHARAMPURGUJARATVALSAD

વલસાડના ધરમપુર ખાતે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે મહિલા ખેડૂતોનું સંમેલન યોજાયું

વાત્સલ્યમ સમાચાર
 મદન વૈષ્ણવ

*દેશી ગાયના ગૌમૂત્ર અને ગોબરમાંથી બનાવવાતા ખાતર અને જંતુનાશક દવા બનાવવાની રીત સમજાવાઈ*

ધરમપુર તાલુકામાં મામલતદાર કચેરી સામે આવેલી વાડીમાં કોહેજન ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે ખેડૂત સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ડી.એન.પટેલ દ્વારા તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આત્મા પ્રોજેકટના ડાયરેકટરશ્રી પટેલે જણાવ્યું કે, આર્થિક રીતે નબળા લોકોને સહાય કરી સધ્ધર બનાવવા માટે મહત્વની ભૂમિકા નિભાવતા ધરમપુરના કોહેજન ફાઉન્ડેશને પ્રાકૃતિક ખેતી ગામે ગામ પહોંચે તે માટે આ ખેડૂત સંમેલનનું આયોજન કર્યુ તે બિરદાવવાને પાત્ર છે. ખાસ કરીને આ સંમેલનમાં ૫૦૦ થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી છે તે ખૂબ જ મહત્વની વાત છે. હવે મહિલાઓ પણ ખેતી ક્ષેત્રમાં આગળ આવી રહી છે. પ્રાકૃતિક ખેતીના મહત્વ અને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તે અંગે આત્માના પ્રોજેક્ટ ડાયરેકટરશ્રીએ જણાવ્યું કે, દરેક ખેડૂતે પોતાના ઘરે એક દેશી ગાય રાખવી જોઈએ. આ દેશી ગાયનું ગૌમૂત્ર અને ગોબર સીધુ સીધુ ખેતરમાં નાંખવાને બદલે તેમાંથી જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત બનાવવુ અને જીવાતોના ઉપદ્રવને અટકાવવા માટે જંતુનાશક દવા તરીકે બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને દશપર્ણી અર્ક કેવી રીતે બનાવી શકાય તેની સમજ આપી હતી. પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનમાં પોષક તત્વો વધે છે. અળસિયાની સંખ્યા વધે છે જેનાથી જમીન ફળદ્રુપ બને છે. જેના દ્વારા સમૃધ્ધ પાક ખેતરમાં થાય છે. આ પાક આરોગવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. જેથી સૌને પ્રાકૃતિક ખેતીની રાહ પર ચાલવા માટે આહવાન કરાયું હતું.

Back to top button
error: Content is protected !!