રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગની ઉપાધ્યક્ષ અંજના પંવારે અમદાવાદમાં ગટર સફાઈ દુર્ઘટનાની ઘટનાસ્થળની મુલાકાત લીધી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ નવી દિલ્હીની ઉપાધ્યક્ષ અંજના પંવારે અમદાવાદની મુલાકાત દરમિયાન એનેક્સી સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ અને સફાઈકર્મીઓના સંગઠનો સાથે બેઠક યોજી. વસ્ત્રાપુર વિસ્તારમાં નયનદીપ એપાર્ટમેન્ટ નજીક ગટર સફાઈ દરમિયાન થયેલી દુર્ઘટનાની તેમણે સ્થળ તપાસ કરી અને ઘટનાને લઈ ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી.
સફાઈકર્મીઓની સુરક્ષા માટે કડક કાર્યવાહી જરૂરી: આયોગ
ઉપાધ્યક્ષ અંજના પંવારે કહ્યું કે, MS Act-2013 અનુસાર સુરક્ષાના સાધનો વિના કોઈપણ કર્મચારી પાસે ગટર સાફ કરાવવું કાયદેસર નથી. ગટરની દુર્ગંધના લીધે જ્યાં સામાન્ય વ્યક્તિ ઊભા પણ રહી શકતી નથી, ત્યાં માત્ર બે-ત્રણ હજાર રૂપિયાના મજુરીના ભાવે સફાઈકર્મીઓના જીવ જોખમવામાં આવે છે, જે અક્ષમ્ય છે. તેમણે જણાવ્યું કે, ગટરોની સાફ-સફાઈ માત્ર મશીનોથી જ કરાવવામાં આવે, જેથી આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.
સોસાયટીના જવાબદાર સામે FIR અને 30 લાખની સહાયનો આદેશ
આયોગે આ ઘટનાને ગંભીરતા પૂર્વક લઈ જણાવ્યું કે, ફક્ત સફાઈ કરનાર સંસ્થાના ફાઉન્ડેશન સામે નહીં, પણ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સામે પણ FIR કરવામાં આવે. સાથે જ મૃતકના પરિવારને 30 લાખ રૂપિયાની સહાય ચૂકવવા આદેશ આપવામાં આવ્યો છે.
સફાઈકર્મીઓની સુરક્ષા પ્રત્યે ગંભીર બનવાની અપીલ
ઉપાધ્યક્ષ પંવારે કહ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈકર્મીઓનું સન્માન કર્યું છે. આપણે પણ તેમના સન્માન સાથે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી નિભાવવી જોઈએ.
આ બેઠકમાં કલેકટર સુજીત કુમાર, અધિક પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ, DCP શિવમ વર્મા, અમદાવાદ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને સફાઈકર્મીઓના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.









