Rajkot: ૨૧ માર્ચ વિશ્વ વન દિવસઃ રાજકોટમાં વનકવચ વધારવા એક વર્ષ દરમિયાન સાત હેક્ટરમાં ૭૦ હજાર જેટલા વૃક્ષનું વાવેતર

તા.૨૦/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખનઃ સંદીપ કાનાણી
વિશ્વ વન દિવસ-૨૦૨૫ની થીમ છે ‘જંગલો અને ખોરાક’
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં ૪૩.૯૮ લાખ વૃક્ષોનું વાવેતર
ગુજરાતમાં વનોના સંરક્ષણ-સંવર્ધન માટે રૂ. ૬૫૫ કરોડની જોગવાઈ, સામાજિક વનીકરણ માટે રૂ. ૫૬૩ કરોડ ફાળવાયા
સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૧ માર્ચ ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ લોકોમાં જંગલો અને તેનું મહત્ત્વ, પૃથ્વી પરના જીવનચક્રને સંતુલિત કરવા માટે જંગલોના યોગદાન વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.
વિશ્વ વન દિવસની વર્ષ ૨૦૨૫ની થીમ ‘જંગલો અને ખોરાક’ છે. આ થીમ ખાદ્યસુરક્ષા, પોષણ અને આજીવિકામાં જંગલોની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરે છે. જંગલો આપણને ખોરાક સાથે બળતણ, આવક અને રોજગારી પૂરી પાડે છે. આ ઉપરાંત, જંગલો જમીનની ફળદ્રુપતાને જાળવી રાખે છે, જળ સંસાધનોનું રક્ષણ કરે છે અને મહત્વના પરાગરજકો સહિત જૈવવિવિધતાને આશ્રય આપીને સૃષ્ટિને ટકાવે છે. જંગલો કાર્બન સંગ્રહ કરીને આબોહવા પરિવર્તન ઘટાડવામાં ફાળો આપે છે.
સંયુક્ત રાષ્ટ્રના ‘ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન’ના એક અહેવાલ મુજબ, વિશ્વભરમાં આશરે પાંચ અબજથી વધુ લોકો ખોરાક, દવા અને આજીવિકા માટે જંગલ અને લાકડા સિવાયના વન ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. બે અબજથી વધુ લોકો રસોઈ માટે લાકડા અને અન્ય પરંપરાગત ઈંધણ પર આધાર રાખે છે. જંગલી માંસ એ સ્વદેશી લોકો અને ગ્રામીણ સમુદાયો માટે ખાસ કરીને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં એક મહત્વપૂર્ણ પ્રોટીન સ્ત્રોત છે. જંગલી પ્રાણીઓની ૩૨૦૦થી વધુ પ્રજાતિઓનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. કેટલાક દેશો અને પ્રદેશોમાં જંગલો અને વૃક્ષો ગ્રામીણ પરિવારોની આવકના લગભગ ૨૦ ટકા પૂરા પાડે છે. આમ છતાં પણ જંગલનું મહત્ત્વ ભુલાઈ રહ્યું છે. આજે વિશ્વના અનેક દેશો આબોહવા પરિવર્તનનો સામનો કરી રહ્યા છે. વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે. આ બધા પ્રશ્નોની સામે આપણી આગામી પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવાનો એકમાત્ર રસ્તો જંગલો અને તેમના સંસાધનોનું જતન અને તેનું ટકાઉ સંચાલન છે.
મહત્ત્વનું છે કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ગુજરાતમાં પર્યાવરણને ‘અનુકૂળ ભવિષ્ય, પર્યાવરણને અનુકૂળ અર્થતંત્ર’ માટે પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. રાજ્યમાં વન અને વન્યજીવ સંરક્ષણ સાથે નેટ ઝીરોના લક્ષ્યાંક હાંસલ કરવા અને પર્યાવરણનું રક્ષણ કરવા અંદાજપત્રમાં વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ. ૩૧૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં વનોના સંરક્ષણ અને સંવર્ધન માટે રૂ. ૬૫૫ કરોડનો ખર્ચ કરવામાં આવશે. એટલું જ નહીં, ગ્રીન કવર વધારવાના હેતુસર સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા માટે રૂ. ૫૬૩ કરોડ ફાળવાયા છે.
રાજકોટ જિલ્લામાં ગ્રીનકવચ વધારવા માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સઘન કામગીરી થઈ રહી છે. રાજકોટ જિલ્લામાં ૧૦૪.૫૮ કિ.મી. વર્ગીકૃત વન અને ૬૬.૩૬ કિ.મી. અવર્ગીકૃત વન મળીને કુલ વન વિસ્તાર ૧૭૦.૯૪ કિલોમીટર જેટલો છે. રાજ્યના કુલ વન વિસ્તાર ૧.૯૪ ટકાની સામે રાજકોટ જિલ્લાના વન વિસ્તારની ટકાવારી ૨.૨૭ ટકા જેટલી છે.
રાજકોટ જિલ્લામાં વનકવચ વધારવા માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪માં વિવિધ ખાતાકીય મોડેલ હેઠળ કુલ ૩૪૮.૫૦ હેક્ટર જેટલા વિસ્તારમાં ૩,૯૬,૧૧૦ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સિવાય વનકવચ મોડેલ હેઠળ મીયાવાકી પદ્ધતિથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સાત હેક્ટર જેટલા વિસ્તારમાં પ્રતિ હેક્ટર ૧૦ હજાર રોપા લેખે કુલ ૭૦ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
એગ્રો ફોરેસ્ટ્રી યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓએ પોતાના ખેતરમાં રોપાઓના વાવેતર માટે સહાય આપવામાં આવે છે. જે અન્વયે કુલ ૭૩૫ હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર માટે રૂ.૩૦.૯૨ લાખની સહાય ખેડૂત લાભાર્થીઓને ચૂકવવામાં આવી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં આશરે ૪૩.૯૮ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
બોક્સ
વન દિવસનો ઈતિહાસ
વર્ષ ૧૯૭૧માં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનની કોન્ફરન્સના ૧૬મા સત્રમાં “વિશ્વ વનીકરણ દિવસ” માટે મતદાન થયું હતું. ત્યારબાદ સેન્ટર ફોર ઈન્ટરનેશનલ ફોરેસ્ટ્રી રિસર્ચ (C.I.F.O.R.)એ વર્ષ ૨૦૦૭થી ૨૦૧૨ સુધીમાં છ વાર ‘વન દિવસ’ની ઉજવણી કરી હતી. એ પછી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૨૮ નવેમ્બર ૨૦૧૨ના રોજ ૨૧ માર્ચને ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારથી ૨૧ માર્ચ વન દિવસ તરીકે મનાવાય છે.





