રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાનાર કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પૂર્વ તૈયારી રૂપે મેહસાણા જીલ્લા ની પ્રાથમિક ધોરણ-૫ ના ૨૨ હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે અનુભવ કસોટી યોજાઈ.
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.શરદ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ તંત્ર દ્વારા ધોરણ-૫ ના વિદ્યાર્થીઓમાં અધ્યન નિષ્પત્તિ આધારિત વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તે માટે NEP-૨૦૨૦ને ધ્યાને લઇ છેલ્લા ત્રણ માસથી વિશેષ કામગીરી થઇ રહી છે. જેના ભાગરૂપે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને વિશેષ તૈયારી કરાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આગામી ૨૨ માર્ચના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ-૫માં ભણતા વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાનાર છે ત્યારે તારીખ ૧૭-૦૩-૨૦૨૫,સોમવારના રોજ જિલ્લા પંચાયત હસ્તકની તમામ સરકારી પ્રાથમિક શાળાના ધોરણ-૫માં ભણતા ૨૨ હજારથી વધુ વિદ્યાર્થીઓની સવારે ૧૧-૩૦ થી બપોરે ૨-૦૦ વાગ્યા સુધી ૧૨૦ માર્કસની એમ.સી.ક્યૂ. બેઇઝ અનુભવ કસોટી યોજવામાં આવી. વિદ્યાર્થીઓને ૧૫૦ મિનિટ માટે પ્રશ્નપત્ર સાથે ઓ.એમ.આર.સીટ આપી આ સ્પર્ધાત્મક પરીક્ષાનો પોતાની શાળાના વર્ગખંડમાં જ અદ્દલ અનુભવ આપવામાં આવ્યો. જેથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર પરીક્ષા આ મુજબ જ હોય છે તેનો વિદ્યાર્થીઓને ખ્યાલ આવ્યો. જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્ર દ્વારા કરવામાં આવ્યો હોય તેવો સમગ્ર રાજ્યમાં આ સૌપ્રથમ પ્રયોગ છે. આ કસોટી દ્વારા વિદ્યાર્થીઓની તાર્કિક ક્ષમતા તેમજ ગણિત, પર્યાવરણ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી વિષયમાં અધ્યયન નિષ્પત્તિ આધારિત કૌશલ્યોની ચકાસણી કરવામાં આવી. જેથી વિદ્યાર્થીઓને આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવતી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા અને પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પૂર્વે વિષય સંલગ્ન વિશેષ તૈયારી કરવાની તક મળશે. જિલ્લાની વિષય નિષ્ણાત ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા પ્રશ્નપત્રની રચના કરવામાં આવી હતી. પ્રશ્નપત્ર ઉપર ક્યૂ.આર.કોર્ડ મૂકવામાં આવેલ. પરીક્ષા પૂર્ણ થયા બાદ તે સ્કેન કરવાથી શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ પ્રશ્નપત્રનું જવાબવહી સાથેનું અસાઇનમેન્ટ મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ. પ્રશ્નપત્રો અને ઓ.એમ.આર.શીટનું છાપકામ વિજાપુર તાલુકાના કુકરવાડા ગામના વતની અને વેદ ગ્રુપ, ગાંધીનગરના બિલ્ડર્સ શ્રી રાજુભાઈ ગોવિંદભાઈ પટેલના આર્થિક સહયોગથી કરવામાં આવેલ.
આ પ્રકારના આયોજનથી વિદ્યાર્થીઓ આનંદથી પરીક્ષા આપે તેવા વાતાવરણનું નિર્માણ થયું. સ્પર્ધાત્મક પરીક્ષાનો ડર દૂર થયો અને સમય મર્યાદામાં પ્રશ્નપત્ર પૂર્ણ કરવાનું કૌશલ્ય વિકસ્યું. વિદ્યાર્થીઓને ઓ.એમ.આર.ના માધ્યમથી જવાબો લખવાનો અનુભવ થયો તેમજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આધારિત મહાવરાની વિશેષ તક મળી છે. ડૉ. શરદ ત્રિવેદી, ડીપીઈઓ-મહેસાણા