Rajkot: ૨૧ માર્ચ વિશ્વ કઠપૂતળી દિવસ, એક સમયે ૩૨ પૂતળીના ખેલ જોવા આખું ગામ ઉમટી પડતુ

તા.૨૦/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
કઠપૂતળી સહિત પરંપરાગત માધ્યમોના કલાકારોને રાજ્ય સરકાર દ્વારા કાર્યક્રમ આપી સન્માનિત કરવામાં આવે છે
વારસામાં મળેલા આ વ્યવસાયથી હું ખુશ છું પણ આજના સમયે મારા સંતાનોને આજીવિકા માટે અન્ય વ્યવસાય પણ કરવો પડે છે: કલાકાર રામુભાઈ ભાટ
જીંદે લકડી, મરતે લકડી, દેખ તમાસા લકડી કા: કઠપૂતળીની દોરી અને લાકડું જીવનનો આધાર છે
આલેખન:- જીતેન્દ્ર નિમાવત
Rajkot: આધુનિક ટેકનોલોજીયુક્ત માધ્યમો સામે પરંપરાગત માધ્યમોના કલાકારો પોતાની કલાને જીવંત રાખવા અને છેવાડાના માનવી સુધી મનોરંજન સાથે માહિતી પીરસવા ગામે ગામ ફરી તનતોડ મહેનત કરતા હોય છે. પ્રાચીન કલાઓને જીવંત રાખવા વૈશ્વિક સ્તરે પણ સામૂહિક પ્રયાસો થાય છે.
દર વર્ષે ૨૧મી માર્ચ “વિશ્વ કઠપૂતળી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. ભવાઈ, ડાયરો, નાટક, કઠપૂતળી કે પરંપરાગતના અન્ય કલાકારો આધુનિક ટેકનોલોજીના સમયમાં પોતાની કલાની પ્રસ્તુતિ કરી રોજગારી મેળવવાની સાથે કલાને જીવંત રાખી શકે તે જરૂરી છે. ત્યારે
પરંપરાગત માધ્યમોના કલાકારોને જન કલ્યાણકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે કાર્યક્રમો આપીને રાજ્યના માહિતી ખાતા સહિતના વિભાગ દ્વારા આજે પણ આ કલાકારોને સન્માનિત કરવામાં આવે છે.
રાજકોટમાં રહેતા મૂળ રાજસ્થાનના વતની રામુભાઈ ભાટને તેમના વડવાઓ દ્વારા વારસામાં કઠપૂતળીનો વ્યવસાય મળ્યો છે.
છેલ્લા ૪૫ વર્ષથી વિવિધ વિસ્તારોમાં કઠપૂતળીના કાર્યક્રમો યોજતા રામુભાઈ કહે છે કે, મારા ત્રણેય સંતાનો પણ આ વ્યવસાય સાથે જોડાયેલા છે, પણ આજે ફક્ત આ વ્યવસાય પર ઘર નથી ચાલતુ, નાના મોટા અન્ય વ્યવસાય પણ સાથે કરવા પડે છે. રાજ્ય સરકાર પરંપરાગત માધ્યમોના કલાકારોને પ્રોત્સાહન આપે છે. માહિતી ખાતુ, આરોગ્ય વિભાગ, નશાબંધી વિભાગ સહિત કચેરીઓ દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે પરંપરાગતના અન્ય માધ્યમો સાથે કઠપૂતળી દ્વારા પણ વિવિધ યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે.
રામુભાઈએ કહ્યું કે, એક સમયે ૩૨ પૂતળીના ખેલ જોવા ગામના ચોરે કે ગરબીચોકમાં આખું ગામ ઉમટી પડતું અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગામ લોકો ફાળો કરી આપતા જેનાથી કલાકાર અને તેમના પરિવારનું ગુજરાન ચાલતું. પરંતુ આજે સમય બદલાયો છે.
હાલ, મનોરંજનની સાથે-સાથે પોલિયો નાબૂદી, સ્વચ્છતા અભિયાન, પાણી બચાવો, વૃક્ષ બચાવો, બેટી બચાવો બેટી પઢાવો સહિત સરકારશ્રીની જન કલ્યાણકારી યોજનાઓના પ્રચાર માટે કઠપૂતળીના માધ્યમથી લોકોને મનોરંજન સાથે માહિતી આપવામાં આવે છે.
રામુભાઈએ કહ્યું કે, કઠપૂતળીના દોરા માણસના જીવન આધારિત હોય છે. “જીંદે લકડી, મરતે લકડી, દેખ તમાસા લકડી કા.” માણસ જન્મે ત્યારે ઘોડિયું લાકડાનું હોય અને માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે પણ લાકડાનો ઉપયોગ થાય આમ લાકડું અને દોરી જીવનનો આધાર છે. કઠપૂતળીના ખેલમા લાકડાના બનેલા માણસ, પ્રાણીઓ, કલર, દોરી, રંગબેરંગી કપડા, સિસોટી, ઢોલક વગેરેના સમન્વયથી વિવિધ ખેલ રજૂ કરાતા હોય છે. રામુભાઈએ હર્ષ સાથે ઉમેર્યું કે, મને વારસામાં મળેલા આ વ્યવસાયથી હું ખુશ છું પણ મારા સંતાનોને આજીવિકા મેળવવા માટે અન્ય વ્યવસાય પણ કરવો પડે છે. જો હજુ વધુ કાર્યક્રમો મળે તો આ કલાને જીવંત રાખવા યુવાપેઢી પણ ઉત્સાહથી કાર્યરત રહી શકે. વિવિધ સંસ્થાઓ કે ગ્રામીણ વિસ્તારના આગેવાનો પણ પોતાના ગામમાં કઠપૂતળીના કાર્યક્રમ યોજવા અમારો સંપર્ક કરી શકે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.





