સિવિલ હોસ્પિટલમાં 185મું અંગદાન: 19 વર્ષની યુવતીએ ચાર લોકોને નવજીવન આપ્યું

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: હેલ્થકેર વર્કરો જીવનકાળ દરમિયાન તો દર્દીઓના જીવ બચાવે છે, પણ મૃત્યુ પછી પણ જીવનદાન આપી શકે છે તેવું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યું. અહીં 19 વર્ષની એક હેલ્થકેર વર્કર દીકરીએ મૃત્યુ પછી અંગદાન કરી ચાર લોકોને નવી જિંદગી આપી.
એક અકસ્માત અને મહાન નિર્ણય
સોનમબેન પાલ, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ ઓઢવ, અમદાવાદમાં રહેતા હતા. તેઓ ચાંદખેડાની SMS હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. 18 માર્ચ, 2025ના રોજ, દાસ્તાન ચોકડી, નિકોલ પાસે એકટીવા ચલાવતી વખતે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયા હતા. માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેઓને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં 20 માર્ચ, 2025ના રોજ તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા.
સિવિલ હોસ્પિટલની અંગદાન સાથે જોડાયેલી ટીમે પરિવારમાં અંગદાનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવી. પરિવારજનોએ માનવતાના ઉંચા મૂલ્યોને અનુસરતા સોનમબેનના અંગો દાન કરવાનો નિર્ણય લીધો.
185માં અંગદાનથી ચાર લોકોને નવજીવન
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, આ 185મા અંગદાનથી કુલ 604 અંગોનું દાન થયેલું છે, જેના કારણે અત્યાર સુધી 586 લોકોને નવી જિંદગી મળી છે.
આ દાનમાં એક હ્રદય, બે કિડની અને એક લીવર સામેલ છે.
હ્રદય યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ દર્દીને આપવામાં આવ્યું.
બે કિડની અને લીવર સિવિલ મેડિસીટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા.
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીના અંગદાનની વિગતો
કિડની: 336
લીવર: 161
હ્રદય: 59
ફેફસા: 30
સ્વાદુપિંડ: 9
નાના આંતરડા: 2
સ્કીન: 10
આંખો: 126
સોનમબેનના પરિવારજનોએ તેમના અવસાનને માનવતાની એક મોટી સેવા સાથે જોડી રાખી અને સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું.






