WAKANER:બી.આર.સી. ભવન વાંકાનેર દ્વારા રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત એક્સપોઝર વિઝિટ અન્વયે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
WAKANER:બી.આર.સી. ભવન વાંકાનેર દ્વારા રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત એક્સપોઝર વિઝિટ અન્વયે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારણા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત એક્સપોઝર વિઝિટ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત તા. 20/03/2025, ગુરુવારના રોજ સમગ્ર શિક્ષા મોરબી અને બી.આર.સી. ભવન વાંકાનેર દ્વારા એક્સપોઝર વિઝિટ અન્વયે રાજકોટ ખાતે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો.
બી.આર.સી. ભવન ખાતે વિદ્યાર્થીઓને સવારનો નાસ્તો કરાવીને બે બસ દ્વારા વાંકાનેર તાલુકાના 87 વિદ્યાર્થીઓ, 12 સી.આર.સી.કૉ.ઑ. તથા શિક્ષકો, બી.આર.સી. કૉ.ઑ. મયૂરરાજસિંહ પરમાર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડૉ. જે.જી.વોરા સાહેબ રાજકોટ પ્રવાસે જવા નીકળ્યા હતા.
સવારે 9:30 વાગ્યે રાજકોટ ખાતે પ્રદ્યુમનપાર્કની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ શાહમૃગ, રંગબેરંગી ચકલીઓ, બતક, હંસ, મોર, ઈમુ, સિંહ, વાઘ અને રીંછ, શિયાળ, હરણ, સાબર, જળ બિલાડી, ઘુડખર વગેરે પશુ-પક્ષીઓનો પરિચય મેળવ્યો. સાથોસાથ માછલીઘરમાં ગોલ્ડન ફિશ, સિલ્વર ફિશ અને વિવિધ પ્રકારની રંગબેરંગી માછલીઓ નિહાળી હતી. સર્પઘરમાં વિવિધ પ્રકારના સાપો નિહાળ્યાં હતા.
પ્રદ્યુમન પાર્કની મુલાકાત બાદ બપોરનું ભોજન લઈ વિદ્યાર્થીઓએ રાજકોટ ખાતે આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિશેની 6 અલગ-અલગ ગેલેરીઓની મુલાકાત લીધી હતી. VR ZONE ની ચાર રાઇડ્સનો આનંદ માણ્યો. સાથોસાથ વિદ્યાર્થીઓએ 3D મુવીનો લ્હાવો પણ લીધો.સાંજે 7:00કલાકે રિજિયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટથી રવાના થઇ રસ્તામાં ભોજન અને આઇસક્રીમની લિજજત માણતા-માણતા અટલ સરોવર પહોંચ્યા હતા. અટલ સરોવરની મુલાકાત બાદ રિટર્ન રાત્રે ૧૧-૦૦ કલાકે વાંકાનેર બી.આર.સી. ભવન ખાતે પહોંચીને પ્રવાસની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રવાસનું આયોજન વાંકાનેર બી.આર.સી.કૉ.ઑ. શ્રી મયૂરરાજસિંહ પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડૉ.જે.જી.વોરા સાહેબ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.