મેગા ITI કૂબેરનગરમાં ટુ વ્હીલર ઓટો લૅબનું ઉદ્ઘાટન, તાલીમાર્થીઓ માટે નવી તકનીકી તકો

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: મેગા ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ (મેગા ITI) કૂબેરનગર ખાતે ટુ વ્હીલર ઓટો લૅબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રયોગશાળા હોમ ફર્સ્ટ સંસ્થાની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રવૃત્તિઓ હેઠળ એલિક્ષિર ઓર્ગેનાઈઝેશનની સહાયથી સ્થાપવામાં આવી છે.
આ લૅબ ટુ વ્હીલર ઓટો રિપેરર અને ઓટોમોબાઈલ સેક્ટરના વિવિધ ટ્રેડના તાલીમાર્થીઓ માટે પ્રયોગાત્મક શિક્ષણ અને આધુનિક તાલીમ સુવિધાઓ પૂરું પાડશે. અહીં તાલીમાર્થીઓને વાહન રિપેરીંગ, સર્વિસિંગ અને ડાયગ્નોસ્ટિક પ્રોસેસ અંગે ઊંડી સમજ અપાશે.
લૅબમાં પરંપરાગત બાઇક અને સ્કૂટર ટેક્નોલોજી ઉપરાંત નવી ઈલેક્ટ્રિક વ્હીકલ ટેક્નોલોજીનો પણ સમાવેશ કરાયો છે. અદ્યતન સાધનો અને ટેક્નોલોજીથી સજ્જ આ લૅબ દ્વારા તાલીમાર્થીઓને હાંથ-ઓન અનુભવ પ્રાપ્ત થશે, જે ભવિષ્યમાં રોજગાર અને ઉદ્યોગ સાહસિકતાની દિશામાં મદદરૂપ સાબિત થશે.
ઉદ્ઘાટન પ્રસંગે હોમ ફર્સ્ટના પ્રતિનિધિઓ, મેગા ITI કૂબેરનગરના પ્રિન્સિપાલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આ પ્રકારની નવીન સુવિધાઓ દ્વારા તાલીમાર્થીઓની તકનીકી કૌશલ્યતા વૃદ્ધિ પામશે અને તેઓ માટે ઉદ્યોગજગતમાં વધુ સંભાવનાઓ ખુલશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
લગભગ 150 તાલીમાર્થીઓએ આ લૅબની સુવિધાઓ અને તાલીમ પ્રણાલીઓ અંગે માહિતી મેળવી. આ પહેલ દ્વારા તેમને વાસ્તવિક વ્યવસાયિક અનુભવ મેળવવાની તક મળશે, જે તેમના કારકિર્દી વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
મેગા ITI દ્વારા તાલીમાર્થીઓ માટે અદ્યતન શિક્ષણ સુવિધાઓ વિકસાવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ નવું પગલું સક્ષમ અને કુશળ કારিগરીશક્તિ ઉભી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.








