
રીપોર્ટ : બિમલ માંકડ | પ્રતિક જોષી
અંજાર : એક તરફ ગુજરાતના ડીજીપી વિકાસ સહાયની સૂચનાને લઈ રીઢા ગુન્હેગારો ઉપર કરવામાં આવેલી પ્રશંસનીય કાર્યવાહી માટે લોકો પૂર્વ કચ્છ પોલીસની સરાહના કરી રહ્યા છે, તો બીજીબાજુ બળાત્કારના આરોપીને ફરિયાદીના ઘરે લઈ જઈ રીકંટ્રકશન કર્યાનો વિડિયો વાયરલ થતાં લોકોએ દુધઈ પોલીસની કામગીરીને વખોડી છે.
વિગતે વાત કરીએ તો દુધઈ પોલીસ મથકે નોંધાયેલી બળાત્કારની ફરિયાદના પગલે પશ્ચિમ કચ્છ એલસીબીએ ભુજ-ભચાઉ હાઈ વે પર હોટલ ધરાવતા ભાગેડુ આરોપી અલ્લારખા સમાને ભુજમાંથી પકડી પાડયો હતો. તેને લઈ દુધઈ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર અને અન્ય સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં આરોપી અલ્લારખા સમાને સાથે રાખી ગુન્હાની ઘટનાનું રીકંટ્રકશન કરાયું હતું. આ કામગીરીની વિડિયોગ્રાફી પણ કરાઈ હતી. વીડિયોમાં આસપાસ એકત્ર થયેલા લોકોના ચહેરા અને પીડિતાના રહેણાંકની ઓળખ આસાનીથી થઈ રહી છે, એટલે વાયરલ થયેલા વીડિયોને કારણે ક્યાંકને ક્યાંક પરોક્ષ રીતે પીડિતાની ઓળખ પણ જાહેર થવાનો ભય સેવાઈ રહ્યો છે.
આ બાબતે દુધઈ પોલીસ ઇન્સ્પેટર આર.આર.વસાવાનો સંપર્ક સાધતાં તેમણે પીડિતાની ઓળખ કોઈપણ રીતે જાહેર ન થાય તેની પૂરી તકેદારી રાખી હોવાનું જણાવી પોતાનો બચાવ કર્યો હતો. જ્યારે પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમાર પોતે વાયરલ વીડિયોથી અજાણ હોવાનું જણાવ્યું હતું.
સંવેદનશીલ ગુન્હામાં ખાસ કરીને દુષ્કર્મ જેવા ગુન્હામાં ભોગ બનનારની ઓળખ જાહેર ન થાય તે અંગે કડક દિશાનિર્દેશ હોવા છતાં ભોગ બનનારની ઓળખ જાહેર થવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે અને કેટલાય અધિકારીઓ ઉપર કડક પગલાં પણ લેવાયા છે. ત્યારે આ કિસ્સામાં પૂર્વ કચ્છ પોલીસ વડા દ્વારા કોઈ પગલાં લેવામાં આવે છે કે નહિ તે જોવું રહ્યું.



