નિકોલ તળાવમાં ગટરના પાણી છોડાતા રોગચાળો ફાટ્યો, આરોગ્ય તંત્ર નિષ્ક્રિય

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક નિકોલ તળાવમાં ગટરનું ગંદુ પાણી છોડાતા મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને સ્થાનિક રહેવાસીઓ રોગચાળાના ભરડામાં આવી રહ્યા છે. મેલેરિયા, ટાઈફોઈડ, ઝાડા-ઉલટી જેવા રોગોના કેસોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને નાના બાળકો વધુ સંખ્યામાં પીડિત બન્યા છે.
આ તળાવને કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન હેઠળ નવી સુંદરતા આપવામાં આવી હતી, પરંતુ હવે અહીં ગટરનું પાણી મિક્સ થતાં તળાવ અને આજુબાજુનું ગાર્ડન અસ્વચ્છ બની રહ્યું છે. ખાસ કરીને બાજુમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે આ ગંભીર આરોગ્ય સંકટ ઊભું કરી રહ્યું છે.
સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે હાલ પરિસ્થિતિ એટલી વણસેલી છે કે લગભગ દરેક ઘરમાં કોઈ ને કોઈ બીમાર છે, જે કોરોના કાળની યાદ અપાવતું માહોલ ઉભું કરી રહ્યું છે. સરકારી તબીબો હડતાળ પર હોવાથી ખાનગી ડોકટરો અને લેબોરેટરીઓ મોંઘા દરે સારવાર આપી દર્દીઓની લૂટ ચલાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે “Swachhata-MoHUA” એપ્લીકેશન દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે પૂર્વ અમદાવાદમાં જન આરોગ્ય પર ગંભીર સંકટ ઊભું થયું છે.





