ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ડ્રગ્સ મુદ્દે ભાજપ સરકારને વિધાનસભામાં ઘેરી.
ડ્રગ્સના હપ્તાઓ ગાંધીનગરના કમલમ સુધી પહોંચે છે: ચૈતર વસાવા
તાહિર મેમણ – ડેડીયાપાડા – 24/03/2025 – ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે આજે મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે વિધાનસભાના ગૃહમાં મારો પ્રશ્ન હતો કે, છેલ્લા બે વર્ષમાં ભરૂચ અને સુરત જિલ્લામાં કયા પ્રકારનું ડ્રગ્સ, કેટલી કિંમતનું ડ્રગ્સ અને ડ્રગ્સનો કેટલો જથ્થો મળ્યો? પરંતુ મંત્રી દ્વારા અધૂરો અને ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો. ભરૂચ અંકલેશ્વર અને સુરત જિલ્લામાં પુરા દેશથી લોકો રોજગાર માટે આવતા હોય છે. પરંતુ ઉદ્યોગોની આડમાં ડ્રગ્સ બનાવવાના ધંધા ચાલે છે. ઓક્ટોબર 2024માં આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી દિલ્હીની પોલીસે 518 કિલોનું ડ્રગ્સ પકડ્યું હતું, તેની કિંમત 5000 કરોડ આંકવામાં આવી હતી. તેવી જ રીતે વેન્ચર ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી 83 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું અને તેની કિંમત 1383 કરોડ આંકવામાં આવી હતી.
એ જ પ્રકારે ઇન્ફીનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાં મુંબઈની એન્ટીનાર્કોટિક્સ દ્વારા રેડ પાડવામાં આવી અને ત્યાંથી 2400 કરોડથી વધારેનું ડ્રગ્સ ઝડપાયું હતું. આટલી ઘટનાઓ બાદ પણ ગૃહ મંત્રી અને પોલીસ લાજવાની બદલે ગાજવાની વાતો કરે છે. ગુજરાતમાં ડ્રગ્સની વાતો થાય છે, ત્યાં તેઓ પંજાબમાં ઉડતા પંજાબની વાતો કરે છે. પરંતુ મેં જે જણાવ્યું તે ગુજરાતની વરવી વાસ્તવિકતા છે. મેં પોતે 35 જેટલા વિડિયો એસપીને આપ્યા હતા, જેમાં પોલીસ અધિકારીઓ દારૂના અડ્ડા પર હપ્તા લેવા જતા હોય છે. તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. અંકલેશ્વર સહિતની જીઆઇડીસીમાંથી પણ જે ડ્રગ્સ પકડાયું તે પાછળ પણ પોલીસની હપ્તાખોરી જવાબદાર છે.
વધુમાં મેં સવાલ કર્યો હતો કે આ કંપનીઓમાંથી કેટલા આરોપીઓ પકડાયા અને કેટલાને પકડવાના બાકી છે તેના જવાબમાં જણાવવામાં આવ્યું કે હજુ સુધી 100 જેટલા આરોપીઓને પકડવાના બાકી છે. આ કંપનીઓમાંથી એક કંપની ઇન્ફીનિટી રિસર્ચ ડેવલપમેન્ટ કંપની ફરી રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે તે લોકોના હપ્તાઓ ગાંધીનગરના કમલમ સુધી પહોંચે છે, ત્યારે જ શક્ય છે કે ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓમાં પકડાયેલી કંપનીઓ ફરી ચાલુ થઈ ગઈ છે. અમારી માંગ છે કે સરકાર ડ્રગ્સ માફિયા પર કડકમાં કડક કાર્યવાહી કરે, એમના વરઘોડા કાઢે, એમના જીઆઇડીસીમાંના કારખાનામાં રેડ પાડે અને ત્યાં બુલડોઝર મોકલે તેવી અમે માંગ કરીએ છીએ.