હિંમતનગર ખાતે વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ

હિંમતનગર ખાતે વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ
***
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત જિલ્લા ક્ષય અધિકારીશ્રીના હસ્તે જાગૃતિ રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
દર વર્ષે ૨૪ માર્ચના દિવસે સમગ્ર દુનિયામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૫ ની વિશ્વ ટીબી દિવસની થીમ “Yes! We Can End TB: Commit, Invest, Deliver” છે. વડાપ્રધાનશ્રીએ ટી.બી. મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરાવી છે. જે સાકાર કરવાના હેતુસર સાબરકાંઠા જિલ્લા પંચાયત તથા જિલ્લા ક્ષય કેન્દ્ર હિમતનગરના સહિયારા પ્રયાસથી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી જૂની સિવિલથી ટાવર ચોક ફરી પરત જૂની સિવિલ ખાતે પૂર્ણ થઈ હતી.
સાબરકાંઠા જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ.ફાલ્ગુનીબેન એન. પરમારએ જણાવ્યું હતું કે ટીબીથી સાજા થઇ ગયેલા દર્દીઓને તાલીમ આપી ટીબી ચેમ્પિયન બનાવાય છે. જેઓ લોકોમાં જનજાગૃતિ ફેલાવવા કે સમાજમાં ટીબી પ્રત્યે ઘટાડો કરવા તથા ગેરમાન્યતાઓ દુર કરવામાં ઉત્સેચક તરીકે કામ કરે છે. ટીબીની નિયમિત સારવારથી દર્દીઓ સાજા થઇ સામાન્ય જીવન જીવી શકે છે.વર્ષ ૨૦૨૪ દરમિયાન સાબરકાંઠામાં ૪૭૩૨ ટીબીના કેસો નોંધાયેલ છે. જેમાં ૪૧૨૮ દર્દીઓ સાજા થયેલ છે. સારવાર સફળતા દર ૯૧ ટકા હાંસલ કરેલ છે. હાલમાં ૨૯૧૨ દર્દીઓ સારવાર હેઠળ છે અને વર્ષ ૨૦૨૪ ના અંદાજિત ૩૭૨૨ ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.
આ રેલીમાં જિલ્લા ક્ષય કેન્દ્ર સ્ટાફ, નર્સિંગ કોલેજ હિમતનગરના વિધાર્થીઓ તેમજ નર્સિંગ કોલેજ સ્ટાફ જોડાયો હતો.
જયંતિ પરમાર સાબરકાંઠા




