Rajkot: “ટી.બી. હારેગા, દેશ જીતેગા” રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ‘વિશ્વ ક્ષય દિવસ’ની ઉજવણી
તા.૨૪/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સ્નેહ ફાઉન્ડેશનના સહયોગથી ૨૫ પોષણ કીટનું વિતરણ કરાયું
Rajkot: વિશ્વભરમાં તા. ૨૪ માર્ચના રોજ ‘વિશ્વ ક્ષય દિવસ’ ઉજવવામાં આવે છે. જેની ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ‘ટી.બી. હારેગા, દેશ જીતેગા’ના ધ્યેય સાથે સિવિલ હોસ્પિટલના ટી.બી. વિભાગના હેડ ડો. કમલેશ વિઠ્ઠલાણીની અધ્યક્ષતામાં ક્ષયના દર્દીઓને પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
ક્ષયના દર્દીઓને રોગનો સામનો કરવા માટે પોષણયુક્ત આહારની જરૂરિયાત રહેતી હોય છે. જેથી, આ કાર્યક્રમમાં સ્નેહ ફાઉન્ડેશનના સહયોગથી ૨૫ પોષણ કીટનું વિતરણ કરાયું હતું. અંદાજિત રૂ. ૧૦૫૦ની કિંમતની ન્યુટ્રીશન કીટમાં મગ, દાળ, ચણા, ચોળી, શીંગદાણા, દાળીયા, ખજૂર, પ્રોટીન પાઉડર જેવા પોષણયુક્ત ખાદ્યપદાર્થોનો સમાવેશ કરાયો હતો.
આ તકે ટી.બી. વિભાગના હેડ ડો. કમલેશ વિઠ્ઠલાણીએ “જો પૂરેપૂરી સારવાર લેવાય તો વણસેલો ટી.બી. પણ મટી જાય છે.” એમ કહીને દર્દીઓને યોગ્ય સારવાર લેવા જણાવ્યું હતું. એઈમ્સના પ્રોફેસરશ્રી ડો. ભાવેશ મોદીએ દર્દીઓને સ્પોર્ટસ સ્પીરિટથી ટી.બી.ને મ્હાત આપવાની વાત કરીને દર્દીઓને મનોબળ પૂરું પાડ્યું હતું. જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો. ઘનશ્યામ મહેતાએ ‘પ્રધાનમંત્રી ક્ષયમુક્ત ભારત’ અભિયાનને સફળ બનાવવા જાહેર જનતાએ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન કરનારા ટી.બી. કો-ઓર્ડીનેટરશ્રી મહેશભાઈ રાચ્છએ દર્દીઓનું કાઉન્સેલિંગ કરતા જણાવ્યું હતું કે દર્દીઓએ સરકારી દવાખાનામાં મળતી નિ:શુલ્ક સારવાર અને દવાનો લાભ અચૂક લેવો જોઈએ અને જનતાએ ક્ષયના દર્દીઓ પ્રત્યે માનવીય અભિગમ અપનાવવો જોઈએ.
આ કાર્યક્રમમાં મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. ક્ષયના ૦૫ દર્દીઓ અને ૦૨ સ્વસ્થ થયેલા દર્દીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. ટી.બી. ચેમ્પિયનશ્રી ભાવનાબેન મકવાણાએ તરુણાવસ્થામાં ક્ષય લાગુ પડ્યા બાદ સ્વસ્થ થઈને હાલમાં ક્ષયના દર્દીઓનું કાઉન્સેલિંગ કરવા સુધીની પોતાની કથા વર્ણવી હતી. બી. એ. ડાંગર અને સાધુ વાસવાણી કોલેજોના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં સ્વયંસેવક તરીકે સેવા આપી હતી.
ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતને ક્ષયમુક્ત બનાવવાના નિર્ધારને સાકાર કરવાના આશયથી કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગત તા. ૭ ડિસેમ્બર, ૨૦૨૪થી સઘન ટી.બી. નિર્મૂલન ઝુંબેશનો આરંભ કરાયો હતો, જે તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધી કાર્યરત રહેશે. આ અભિયાનનો મુખ્ય હેતુ ટી.બી.ના નવા દર્દીઓ શોધી, તેમને સારવાર આપી, જાહેર આરોગ્યમાં સુધારો લાવવાનો છે.
આ તકે ડીસ્ટ્રીકટ ટી.બી. મેડીકલ ઓફિસર્સ ડો. બાદલ વાછાણી અને શ્રી એસ. જી. લક્કડ, ડીસ્ટ્રીકટ ટી.બી. પોગ્રામ કો-ઓર્ડીનેટરશ્રી રોનકભાઈ વેકરીયા, સ્નેહ ફાઉન્ડેશનના ફાઉન્ડરશ્રી અનિતાબેન શાહ, હૈદરાબાદ મેડિકલ કોલેજના ડો. રશ્મિબેન કુંડાપુર અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.