વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં આર.ટી.ઓ અધિકારીઓની ઉઘરાણી યથાવત રહેતા વાહનચાલકો ત્રસ્ત બન્યા,શામ,દામ અને દંડની નીતિનો અખત્યાર કરી આર.ટી.ઓ અધિકારીઓ ખિસ્સા ભરવામાં મશગુલ..
ડાંગ જિલ્લામાં આરટીઓ વિભાગનાં અધિકારીઓ દ્વારા પ્રવેશદ્વાર વઘઈ ખાતે જ મોટા પાયે વાહન ચાલકો પાસેથી ઉઘરાણી કરવામાં આવતી હોય તેવી ઘણા સમયથી ચર્ચાઓ જોવા મળી રહી છે.પરંતુ આ ભ્રષ્ટાચારમાં લથપથ અધિકારીઓનાં કાન આમળવા વાળું કોઈ જ ન હોવાથી છૂટો દોર મળી જવા પામ્યો છે. ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે આર.ટી.ઓ ચેકપોસ્ટ ઘણા વર્ષ પહેલા નાબૂદ કરી દેવામાં આવી છે.ત્યારે હાલમાં આર.ટી.ઓ. વિભાગના અધિકારીઓ વઘઇ ફોરેસ્ટ ચેકપોસ્ટ તથા બોટનીકલ ગાર્ડન પાસે સરકારી જીપ આડી મૂકી ભારે વાહનોને ઉભા રાખી તગડી ઉઘરાણી કરી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.અહી બન્ને સ્થળોએ અમુક વખતે મારામારીનાં દ્રશ્યો પણ બને છે.આમ આર.ટી.ઓ અધિકારીઓ ઉઘરાણી કરવામાં વ્યસ્ત બન્યા છે સાથે આ અધિકારીઓ સુધરવાનું નામ જ લેતા નથી.રોજેરોજ આર.ટી.ઓ. વિભાગના અધિકારીનો એક વ્યક્તિ સરકારી ગાડી માર્ગમાં આડી કરી દંડો ઉગામીને ગાડીઓને ઉભી રાખે છે.જેથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ડાંગ આર.ટી.ઓ અધિકારીઓ દ્વારા યેનકેન પ્રકારે વાહનચાલકોને કનડગત કરાઈ રહી છે.દંડો ઉગામી વાહનચાલકોને યેનકેન પ્રકારે હેરાનગતિ કરી મોટો દંડ ફટકારવાની ગર્ભિત ધમકીઓ આપવામાં આવે છે.જેના પગલે વાહનચાલકો બેબાકળા બન્યા છે.સમગ્ર ગુજરાતમાં આર.ટી.ઓ ચેકપોસ્ટ નાબૂદ કરવામાં આવી છે. પરંતુ ડાંગ આર. ટી.ઓ અધિકારીઓ વઘઇ ફોરેસ્ટ ચેકપોસ્ટ અને બોટનીકલ ગાર્ડન પાસે અડીંગો જમાવી વાહનચાલકો પાસે મસમોટી તોડપાણી કરી રહ્યા છે.આ અંગે અગાઉ પણ અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા હતા.પરંતુ આર.ટી.ઓ. વિભાગના અધિકારીઓ સુધરવાનું નામ લેતા નથી.ત્યારે આરટીઓ વિભાગનાં અધિકારીઓની આ પ્રકારની ઉઘરાણીને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. તેમજ ઘણી વખત આરટીઓ વિભાગના અધિકારીઓ દ્વારા ટ્રક તથા અન્ય વાહનોની લાઈન ઊભી કરી દેવામાં આવતી હોય છે જેના કારણે અકસ્માત થવાની સંભાવના પણ વધવા પામે છે. ત્યારે આરટીઓ વિભાગના અધિકારીઓ પોતાની નફ્ટાઈ પર ઉતરેલ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે જેથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટો ઘટસ્ફોટ થાય એમ છે.જોકે ઉચ્ચકક્ષાના અધિકારીઓ દ્વારા પણ આ અંગે યોગ્ય પારદર્શક તપાસ કરવામાં આવશે કે પછી અધિકારીઓ દ્વારા કરવામાં આવતી ગેરરીતિઓનું ભીનું સંકેલવામાં આવશે તે તો આવનાર દિવસોમાં જોવુ જ રહ્યુ..