વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યનું ચેરાપુંજી ગણાતુ ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆતથી જ પીવાના પાણીનો પુકાર ઉઠતા પાણી પુરવઠા વિભાગનો ઘરઘર નળ કનેકશન સહીત સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર બુમરેંગ સાબિત થઈ રહ્યો છે..
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારનાં સુબીર તાલુકામાં આંતરિયાળ વિસ્તારમાં આવેલ ગૌહાણ ગામનાં બારીપાડા ફળીયાના લોકોને પીવાના પાણી માટે ધોમધખતા તડકામાં વલખા મારવાની નોબત ઉભી થઈ છે.ગૌહાણ ગામના બારીપાડા ફળિયામાં 500ની લોકવસ્તી વસવાટ કરે છે.અહી પાણી પુરવઠા વિભાગ દ્વારા સ્ટેન્ડ પોસ્ટ સહીત ઘરઘર નળ કનેકશન તો જોડ્યા છે.પરંતુ છેલ્લા એક દાયકાથી નળમાં પીવાના પાણીનું ટીપુંય આવ્યુ નથી, જેના કારણે પાઇપ લાઈન ઠેરઠેર ઉખડી જવાની સાથે નળની ચકલીઓ પણ ગાયબ થઈ જવા પામી છે.ગૌહાણનું બારીપાડા ફળીયાના લોકોને પીવાના પાણી માટે આશરે દોઢથી બે કિમિ દૂર કોતર પર આવેલ કૂવો પરથી પાણી ભરવા જવુ પડે છે.હાલ ઉનાળાની ગરમી હોય લોકો મળસકે જંગલ વિસ્તારમાં આવેલ કુવા પર પાણી ભરવા જતા હોય જંગલી હિંશક પ્રાણી સહીત સાપ વીંછુનાં ડંખનો પણ ભય સતાવી રહ્યો છે.ગૌહાણનાં બારીપાડા ફળીયાના લોકોએ પીવાના પાણી બાબતે જેતે સમયે તંત્ર સામે આંદોલન કર્યું હતુ.તેમજ ચૂંટણી બહિષ્કારની ચીમકીઓ આપ્યા બાદ પણ નળ કનેકશન દ્વારા પીવાનું શુદ્ધ પાણી નશીબ થયુ નથી.ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં છેલ્લા 10 વર્ષથી લોકોને પાણી માટે સંઘર્ષ કરવો પડે છે, અહીંયા સરકારી યોજના માત્ર કાગળ ઉપર હોવાનો લોકોનો આક્ષેપ છે,ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં લોકો છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, ગામમાં નળસે જળ યોજના મુજબ પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ આ યોજના અધૂરી છે કોઈના ઘર સુધી પાણી પહોંચતું નથી.ગામોમાં વાસમો યોજના અંતર્ગત બનાવેલ ટાંકીમાં પણ પાણી નથી જેથી ગામની બહાર આવેલ કૂવામાં પાણી લેવા જવું પડે છે. ધોમધકતો તાપ હોય કે વરસાદ આજ પ્રમાણે ગામના લોકો કૂવામાં પાણી લેવા માટે મજબૂર બન્યા છે, કુવાનું પાણી પણ એટલું દૂષિત છે કે બાળકો અવારનવાર બીમાર પડી જાય છે.અહી લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી ટેન્કર વાળા ઊંચા ભાવે પાણી વેચી રહ્યા છે, મજૂરી કરીને માંડ ગુજરાન ચલાવતા હોય છતાં ક્યારેક આવું પાણી વેચાતું લેવું પડે છે.પાણીની સમસ્યા ને લઈને ગામમાં પશુપાલન પણ ઓછું થઈ રહ્યું છે. હવે યુવાનોની ધીરજ ખૂટી છે તેઓ ચૂંટાયેલા નેતાઓ ઉપર પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે.આ ગામના લોકો જણાવે છે કે પાણીની સુવિધા મળે એ માટે સરકારી કચેરીએ ધરણા કર્યા આવેદન આપ્યું છતાં કોઈ અસર નથી.જ્યારે આ મામલે અધિકારીઓનું કહેવું છે કે મૌખિક રજુઆત કરવામાં આવી છે કોઈ ફરિયાદ આવી નથી, ફરિયાદ આવશે તો નિવારણ કરવામાં આવશે..