GUJARATVALSADVALSAD CITY / TALUKO

VALSAD:વલસાડ કલેકટર કચેરી ખાતે UCC સમિતિના સભ્યોએ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, અગ્રણીઓ અને વહિવટી તંત્ર સાથે બેઠક યોજી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સમિતિએ રાજ્યમાં યુસીસી કાયદા અંગે વલસાડ જિલ્લાના વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ પાસે સૂચનો- મંતવ્યો મેળવ્યા

આ કાયદો બધા માટે સમાન છે, કોઈ પણ ધર્મ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવ્યો નથીઃ સમિતિના ચેરપર્સનશ્રી રંજના દેસાઈ

સમાન સિવિલ કોડ વિશે પ્રવર્તતી ગેરસમજ દુર કરી આદિવાસી સમાજને આ કાયદામાંથી સંપૂર્ણ મુક્ત રાખ્યો છેઃ સમિતિના સભ્યશ્રી સી.એલ.મીણા

નાગરિકો યુસીસી કાયદા અંગે પોતાના મંતવ્યો (https://uccgujarat.in) પોર્ટલ પર તથા પત્ર મારફતે મુક્તમને તા. ૧૫ એપ્રિલ સુધી જણાવી શકે છેઃ સમિતિના સિનિયર એડવાઈઝર શત્રુઘ્ન સિંઘ

આ કાયદાને ધર્મના ચશ્માથી જોવાશે નહી પરંતુ સમજદારી અને તર્ક સાથે જોવામાં આવશેઃ સમિતિના સિનિયર એડવાઈઝર શત્રુઘ્ન સિંઘ

વલસાડ તા. ૨ એપ્રિલ –સમાન સિવિલ કોડ (UCC) લાગુ કરવા પહેલા લોકોના મંતવ્યો અને સલાહ, સૂચન જાણવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રીમતી રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષ સ્થાને રચાયેલી ગુજરાત રાજયની યુનિફોર્મ સિવિલ કોડની કમિટી આજે બુધવારે વલસાડ ખાતે આવી પહોંચી હતી. કમિટીના ચેરપર્સનશ્રી દેસાઈ અને કમિટીના સભ્યોએ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક અગ્રણીઓ, વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, કોલેજના આચાર્યો, એવોર્ડ વિજેતાઓ, કાયદાના નિષ્ણાંતો અને સામાજિક કાર્યકરો સાથે પરિચય કેળવી કાયદા અંગે બેઠક યોજી હતી. જેમાં સમિતિએ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પાસે UCC કાયદા અંગેના અભિપ્રાયો, મંતવ્યો અને સૂચનો રૂબરૂ મેળવ્યાં હતાં.
સમાન નાગરિક સંહિતા અંગે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી સમિતિના સભ્ય અને નિવૃત્ત આઈ.એ.એસ. સી.એલ.મીણાએ બેઠકમાં સૌને આવકારી જણાવ્યું કે, ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં આ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં સિનિયર એડવાઈઝર તરીકે નિવૃત્ત આઈ.એ.એસ. શત્રુઘ્ન સિંઘ, વરિષ્ઠ એડવોકેટ શ્રી આર.સી. કોંડેકર, વીર નર્મદ યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર ડૉ.દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફની નિયુક્તિ કરાઈ છે. આ સમિતિના સભ્યો રાજ્યના તમામ જિલ્લાઓમાં જઈને યુ.સી.સી. કાયદા અંગે પ્રબુદ્ધ નાગરિકોના અભિપ્રાયો મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં આજે વલસાડ સાથે ગુજરાતના કુલ ૩૨ જિલ્લામાં રૂબરૂ જઈ મંતવ્યો મેળવ્યા છે અને આવતી કાલે ૩૩માં જિલ્લા સુરતમાં જઈ મંતવ્યો મેળવીશું.

નાગરિકોને અનુરોધ કરતા તેઓશ્રીએ વધુમાં જણાવ્યું કે, તા. ૧૫ એપ્રિલ ૨૦૨૫ સુધી યુસીસી અંગે નાગરિકો તેમના અભિપ્રાયો પોર્ટલ પર મોકલી શકે છે. આ મહત્વપૂર્ણ વિષય પર મૂલ્યાંકન માટે સમિતિએ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન- સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો વગેરેને પણ ૧૫ એપ્રિલ-૨૦૨૫ સુધીમાં ઈમેલ, વેબપોર્ટલ (https://uccgujarat.in) કે સિવિલ કોડ સમિતિ, ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં.-૧, વિભાગ-એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, ગુજરાત – ૩૮૨૦૧૦ ના સરનામે પોતાના મંતવ્યો, સૂચનો ટપાલથી અથવા રૂબરૂ આવીને પણ આપવા માટે અપીલ કરી હતી.

કમિટીના ચેરપર્સનશ્રી રંજના દેસાઈએ વલસાડ જિલ્લામાંથી મળેલા મંતવ્યો અંગે સંતોષ વ્યક્ત કરી જણાવ્યું કે, આ કાયદા અંગે કોઈની વાતોમાં આવવુ નહી કે ગેરમાર્ગે દોરવાવુ નહી. જાતે પોતાની રીતે વિચાર કરવો. આ કાયદો બધા માટે સમાન છે. કોઈ પણ ધર્મ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવ્યો નથી. આ કાયદામાં વિશેષ કરીને લીવ ઈન રિલેશનશીપમાં રહેતી મહિલા અને આ સંબંધ થકી જન્મેલા બાળકોના અધિકારોનું રક્ષણ કરાશે.

સમિતિના સિનિયર એડવાઈઝર શ્રી શત્રુઘ્ન સિંઘે ઉપસ્થિત સૌને યુ.સી.સી. કાયદા વિશે વિગતવાર સમજણ આપી જણાવ્યું કે, આ સમાન નાગરિક સંહિતા કોઈ જ્ઞાતિ, ધર્મ કે સમાજના ક્રિયાકાંડો – વિધિ વિધાનમાં હસ્તક્ષેપ નથી કરતી અને તેવો આશય પણ નથી. આ કાયદાને ધર્મના ચશ્માથી જોવાશે નહી પરંતુ સમજદારી અને તર્ક સાથે જોવામાં આવશે. આ કાયદાના ઘડતર અંગે લોકોના અભિપ્રાય- સૂચનો મેળવવા ખૂબ અગત્યના છે. તેઓએ આ કાયદા અંગે પ્રવર્તતી કેટલીક અફવાઓ અંગે પણ સ્પષ્ટતા કરી પ્રબુદ્ધ નાગરિકોને પોતાના મંતવ્યો રજૂ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે મહિલા અને બાળકોના અધિકારોને વિશેષ ધ્યાનમાં લઈ યુસીસી આગળ વધી રહી હોવાનું જણાવ્યું હતું.

આ સમિતિ દ્વારા લગ્ન, છુટાછેડા, ભરણપોષણ અને લિવ-ઇન રીલેશનશિપ જેવા વિષયોનો સમાવેશ કરવા બાબતે તેમજ આ અંગે સૂચનો બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓ પાસેથી મેળવ્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિત અગ્રણી નાગરિકોએ સમિતિ સમક્ષ તેમના મંતવ્યો- સૂચનો પણ રજૂ કર્યા હતા અને લેખિતમાં પ્રશ્નાવલી રૂપે અને અલગથી પત્રમાં મોકલવા પણ જણાવ્યું હતું.
બેઠકના પ્રારંભે વાપી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી યોગેશ ચૌધરીએ યુસીસીના ચેરપર્સનશ્રી રંજના દેસાઈનું સ્વાગત કરી આવકાર્યા હતા. કમિટીની તમામ સભ્યોનું પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાગત કરાયું હતું. આભારવિધિ વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલે કરી હતી. બેઠકમાં (UCC)સમિતિના સર્વ સભ્યોશ્રીઓ, પદ્મશ્રી સર્વ ગફુરભાઈ બિલખિયા અને ડો.યઝદી ઈટાલિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, પ્રાયોજના વહીવટદાર કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા, જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, વિવિધ અગ્રણીઓ, સંતો, પ્રતિનિધિઓ, પોલીસ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!