નર્મદા : ધારાસભ્ય ચૈતર વસાવાએ ચેક પોસ્ટ પર પોલીસની હેરાનગતિ મુદ્દે પોલીસ અધિક્ષકને રજૂઆત કરી
નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આવેલ આદિવાસી કુળદેવી યાહા મોગી માતાજીના દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓ અને વાહન ચલાકોને નર્મદા પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે: ચૈતર વસાવા
બુટલેગરો ના મોટા મોટા અડ્ડાઓ ધમધમે છે તેમને પોલીસ કેમ નથી પકડતી અને આ ગરીબ લોકો ને જ કેમ હેરાન કરે છે? :ચૈતર વસાવા
રાજપીપલા : જુનેદ ખત્રી
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે એક ગંભીર મુદ્દા પર રાજપીપળાના પોલીસ અધિક્ષક સમક્ષ ખુલાસો માંગવા માટે પોલીસ અધિક્ષક કચેરી નર્મદા ખાતે પહોંચ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ગુજરાત, મહારાષ્ટ્ર્ર, અને મધ્યપ્રદેશથી દેવમોગરા ખાતે આદિવાસી કુળદેવી યાહા મોગી માતાજીના દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓ અને વાહન ચલાકોને નર્મદા પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે તેવો આક્ષેપ ધારાસભ્યે કર્યો હતો અને આ બાબતે આજે દેડિયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા મોટી સંખ્યામાં લોકો સાથે પોલીસ અધિક્ષક કચેરીએ પહોંચ્યા હતા. આ અગાઉ પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકોને રસ્તા વચ્ચે જ રોકવામાં આવ્યા હતા અને આ દરમિયાન ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા
ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ અધિક્ષક સાથે બેઠક કરી કરી અને માતાજીના દર્શને આવનાર લોકોને તથા વાહન ચાલકોને નર્મદા પોલીસવાળા જે હેરાનગતિ કરવામાં આવે છે તે મુદ્દા પર વાત કરી અને ખુલાસો માંગ્યો હતો ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લો એક ગ્રામ્ય વિસ્તાર હોવા છતાં પણ ઘણી જગ્યાએ ચેકપોસ્ટ બનાવીને લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે અને દંડ ફટકારવામાં આવે છે. કોઈ વિદ્યાર્થી છે, કોઈ મજૂર છે, કોઈ ખેડૂત છે આવા લોકોને દંડ ફટકારીને હેરાન કરવામાં આવે છે, તેની સામે અમને વાંધો છે. જો કોઈ વ્યક્તિ દારૂ પીને ડ્રાઇવિંગ કરે છે અને તેને દંડ ફટકારવામાં આવે છે તો તેના પર અમને કોઈ વાંધો નથી, પરંતુ અમારું માનવું એમ છે કે સામાન્ય અને નિર્દોષ માણસોને હેરાન પરેશાન કરવામાં આવે નહીં.
અમે દંડનો રિપોર્ટ જોયો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે કરોડો રૂપિયાનો દંડ ઉઘરાવવામાં આવ્યો છે અમારો સવાલ છે કે આ નર્મદા જિલ્લામાં ક્યાં કોઈ લોકો એટલા પૈસાવાળા છે કે આટલો બધો દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે. વીઆઈપી લોકો કેવડિયા આવે છે તે લોકોને કોઈ પણ પરેશાન કરતું નથી, પરંતુ નાના માણસોને હેરાન કરવામાં આવે છે. દેવમોગરા ખાતે આદિવાસી કુળદેવી યાહા મોગી માતાજીના દર્શનાર્થે આવનાર લોકોને જેલમાં પૂરી દેવામાં પણ આવે છે અને તેમની ગાડીને પણ જપ્ત કરી લેવામાં આવે છે, આ ક્યાંનો ન્યાય છે? આ મુદ્દા પર અમે પોલીસ અધિક્ષકનું ધ્યાન દોર્યું છે કે પોલીસની હેરાનગતિને અટકાવવામાં આવે, આ સિવાય રેગ્યુલર દંડની સાથે સાથે પોલીસ તોડબાજી પણ કરે છે તે તરફ પણ અમે પોલીસ અધિક્ષક નું ધ્યાન દોર્યું. અમારે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ચેકપોસ્ટ જોઈતી નથી અમારું માનવું છે કે બોર્ડર પર ચેકપોસ્ટ બનાવો અને બોડી કેમેરા સાથે લોકોને ચેક કરો તો અમને કોઈ વાંધો નથી.
માટી ચોરી કરતા વાહનો ગ્રામજનોએ પકડીને પોલીસને સોંપ્યા.. પોલીસે છોડી મૂક્યા : ચૈતર વસાવા
અમારી એક બીજી રજૂઆત હતી જે અનુસાર, ઉમરવા ગામે જે એસબી કન્સ્ટ્રક્શનના નામે ભાવનગર બાજુથી જે કોન્ટ્રાક્ટ આવ્યા છે તે લોકોએ ગામમાં કોઈને પૂછ્યા વગર કે રોયલ્ટી વગર ખોદકામ કરી નાખવામાં આવ્યું. હકીકતમાં આ વિસ્તારો અનુસૂચિ પાંચનો છે અને અહીંયા પૈસા એક્ટ લાગે છે, માટે જે પણ ખોદકામ કરવામાં આવે તેમાંથી ગ્રામ પંચાયતને રોયલ્ટી આપવી પડે છે. ગ્રામ લોકોએ ચાર ટ્રકો પકડીને પોલીસને સોંપી પરંતુ પોલીસે રાતોરાત તે ટ્રકોને છોડી દીધી. અમારું માનવું છે કે 80 % પોલીસ ઈમાનદાર છે પરંતુ 20% પોલીસ ઓફિસર એવા છે જેવો બુટલેગરો સાથે, જમીન માફીયાઓ સાથે અને રેતી માફિયાઓ સાથે સાંઠ ગાંઠ રાખે છે અને રૂપિયા બનાવવામાં પડ્યા છે. જો નર્મદા પોલીસને કંટ્રોલ કરવામાં નહીં આવે અને અમારા લોકોની હેરાનગતિને બંધ કરવામાં નહીં આવે તો દસ દિવસ પછી દેવમોગરા ખાતે મોટું આંદોલન કરવામાં આવશે અને તે દિવસે હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈશું. તે દિવસે ફક્ત ગુજરાતના નહીં પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોને પણ બોલાવીશું અને મોટું આંદોલન કરીશું.
જ્યારે દંડ ઉઘરાવતા અધિકારીઓને સવાલ પૂછવામાં આવે કે શેની ચેક પોસ્ટ છે તો જણાવવામાં આવે છે કે ઉપરથી આદેશ છે. અમારો સવાલ ભાજપ સરકારને છે કે શું તમારી પાસે હવે પૈસા નથી બચ્યા? તમે તાઈફાઓમાં કરોડોના ખર્ચો કરી નાખો છો અને બીજી બાજુ સામાન્ય અને ગરીબ માણસો પાસેથી દંડ ઉપરાવી રહ્યા છો.
…..ડેડીયાપાડા સાગબારા વિસ્તારમાં અકસ્માતમાં ફેટલ કેસો વધુ બની રહ્યા છે જેને ઘટાડવા પ્રયાસ : પ્રશાંત સુંબે એસપી નર્મદા
નર્મદા જિલ્લામાં ફેટલ એક્સિડન્ટ ના વધુ કિસ્સા ડેડીયાપાડા સાગબારા વિસ્તારમાં બને છે ઉપરાંત રાજ્યભરમાં ફરજિયાત હેલ્મેટ પહેરવાની ઝુંબેશ છે તેના અમલીકરણ થઈ રહ્યું છે ઉપરાંત કાર્યવાહી દરમિયાન બોડી વોર્ન કેમેરા નો ઉપયોગ થાય તેવા પ્રયાસ કરાશે નર્મદા જિલ્લામાં દર વર્ષે પ્રોહીબિશન ગુનાહ નોંધવામાં 20 ટકા વધારો નોંધાયો છે ત્યારે દારૂ જુગાર બાબતે કોઈ પણ માહિતી મળે તો પોલીસનું ધ્યાન દોરવા જણાવ્યું છે સાગબારા વિસ્તાર એ બોર્ડર એરીયા છે જેથી અન્ય જિલ્લાઓમાં કોઈ દારૂ પીને આવતા તત્વો અથવા તો નશો કરીને વાહન ચલાવતા તત્વોથી વાહન ચાલકો પોતાની અને અન્યનો જીવ જોખમમાં મૂકતા હોય છે માટે ત્યાં નાકાબંધી અને ચેકિંગ કરવું અત્યંત જરૂરી છે અમારો ઉદ્દેશ કોઈની ભાવના આહત કરવાનો નથી કાયદો વ્યવસ્થા જાળવવો જરૂરી છે ઉપરાંત પોલીસવાળાએ લોકોને હેલ્મેટ પહેરવા અને સીટ બેલટ પહેરવા માટે અપીલ કરી હતી