ભરૂચ: સીટી સેન્ટર મોલ ખાતે ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બનતા દોડધામ, અંતે મોકડ્રીલ જાહેર કરાઈ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરમાં મહાત્મા ગાંધી માર્ગ પર આવેલા સીટી સેન્ટર મોલ ખાતે ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બનતા દોડધામ મચી ગઇ હતી.આગની જાણ પાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક દોડી આવી આગ પર કાબુ મેળવી બે ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢી સારવાર હેઠળ ખસેડ્યા હતા.જોકે તંત્ર દ્વારા આ એક મોકડ્રીલ જાહેર કરાઈ હતી.
રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયરને લઈને સતર્કતા આવી ગઈ છે. ભરૂચ શહેરમાં આજે ફાયર વિભાગ દ્વારા આગજની જેવી આપત્તિની પરિસ્થિતિમાં કેવી રીતે અસરકારક રીતે કામગીરી કરવી તેની તૈયારી માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના મહાત્મા ગાંધી માર્ગ પર આવેલા સીટી સેન્ટર મોલમાં આવેલા ગેમ ઝોનમાં મોકડ્રીલ દરમિયાન આગ લાગ્યાની કાલ્પનિક પરિસ્થિતિ સર્જી હતી. જેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરવામાં આવી હતી. આગની જાણ થતા જ ફાયર ઓફિસર ચિરાગ ગઢવી બે ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. તેઓએ સ્થળ તરત રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે તે સમયે ત્યાં ગેમ ઝોનમાં હાજર તમામ લોકોને સલામત રીતે બહાર કાઢીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા તેમને સારવાર હેઠળ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે બાદમાં તેમણે મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક નાગરિકો અને સંસ્થાઓને આગજનીની સંભવિત પરિસ્થિતિમાં સતર્ક રહેવા અને તાત્કાલિક પગલાં અંગે જાગૃત કરવાનો જણાવ્યો હતો. ઘટના સ્થળ પર પોલીસ વિભાગ, એમ્બ્યુલન્સ સેવા તથા સ્થાનિક પ્રશાસને પણ સહભાગી બનીને ટકાઉ વ્યવસ્થાપન માટેનું સહકાર આપ્યો હતો.





