દીનદયાળ પોર્ટ કંડલાએ નવો ઇતિહાસ રચ્યો, 150 MMT કાર્ગો હેન્ડલિંગ પાર કરીને સ્થાપ્યો વિક્રમ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાએ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 150.16 મિલિયન મેટ્રિક ટન (MMT)ના કાર્ગો હેન્ડલિંગ સાથે પોતાનું જ વિક્રમ તોડી નવો ઇતિહાસ રચ્યો છે. દેશના અગ્રણી દરિયાઈ પ્રવેશદ્વાર તરીકે કંડલાએ પોતાની ક્ષમતા અને કાર્યક્ષમતા દ્વારા ભારતના દરિયાઈ ક્ષેત્રે મજબૂત હાજરી નોંધાવી છે.
આર્થિક વર્ષ પૂર્ણ થવાની પહેલા જ 150 MMTનો આંકડો પાર કરીને બંદરે આ સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ સાથે બંદરે 13 ટકાના વર્ષગાંઠીય વૃદ્ધિ દરને પણ સ્પર્શ્યો છે, જે તમામ મુખ્ય બંદરોમાં સર્વોચ્ચ છે.
બંદરની આ ઉપલબ્ધિને ઉજવવા માટે અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંદાજે 4,500 કામદારો અને મજૂરોને ફૂડ કિટ અને જરૂરી દૈનિક સામગ્રી આપવામાં આવી હતી, તેમજ તમામ માટે ભોજનની વ્યવસ્થા કરીને સહભાગિતાની ભાવના ઉજવવામાં આવી.
પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર સિંહે તમામ હિસ્સેદારો – કર્મચારીઓ, ટ્રેડ યુનિયનો, પોર્ટ વપરાશકર્તાઓ અને ઓપરેટરોને તેમની અવિરત પ્રતિબદ્ધતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ સિદ્ધિ માત્ર આંકડા નથી, પરંતુ એકતાની તાકાત અને પોર્ટની સંભાવનાઓનું પ્રતિબિંબ છે.
બંદરે હવે આગામી વર્ષ માટે ‘બર્થિંગ ઓન અરાઇવલ’ સિસ્ટમ હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ તહેનત જહાજોને પોર્ટ પર પહોંચતાંજ તરત બર્થિંગ આપવામાં આવી શકે અને વેઇટિંગ ટાઇમ ઘટાડીને ટર્નઅરાઉન્ડ ટાઇમમાં સુધારો લાવવામાં આવશે.
પરિયોજનાઓના સ્તરે પણ કંડલા બંદર ઝડપથી આગળ વધી રહ્યું છે. તાજેતરમાં કંડલામાં 1 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપનાની મંજૂરી મળીને દેશમાં પ્રથમ દેશી ઇલેક્ટ્રોલાઇઝર સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સાથે, પોર્ટનું ‘Center of Excellence for Green Hydrogen and Bio-Methanol’ હાઇડ્રોજન આધારિત ઇંધણના સંશોધન અને વિકાસમાં અગ્રેસર રહેશે.
આ ઉપરાંત, પોર્ટ પર 30,000 કરોડ રૂપિયાના મેગા શિપબિલ્ડિંગ પ્રોજેક્ટ અને 27,000 કરોડ રૂપિયાના નવનિર્મિત કાર્ગો ટર્મિનલના કામ પણ તેજ ગતિએ ચાલુ છે, જે આગામી સમયમાં પોર્ટની ક્ષમતામાં 135 MMTનો વધારો કરશે.
આ સિદ્ધિઓ વડાપ્રધાનના “મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ”ના વિઝનને સાકાર કરતી દિશામાં મહત્ત્વપૂર્ણ પગલાંરૂપ છે. દીનદયાળ પોર્ટ હવે ન માત્ર એક વ્યૂહાત્મક દરિયાઈ બંદર છે, પણ વિકાસશીલ ભારતના દરિયાઈ નકશા પર એક પ્રેરણાદાયી દીવાદાંડી બનીને આગળ વધતું જાય છે.