NATIONAL

મુંબઈમાં પ્રદર્શન કરી રહેલા લાખો લોકો અને નેતા મનોજ જરાંગેની મોટી જીત, મરાઠા સમુદાયને ‘કુનબી’ જાતિનો દરજ્જો મળશે

મરાઠા અનામતની માંગ સાથે મુંબઈમાં પ્રદર્શન કરી રહેલા લાખો લોકો અને નેતા મનોજ જરાંગેની મોટી જીત થઈ છે. મહારાષ્ટ્ર સરકારે ‘હૈદરાબાદ ગૅઝેટ’ જારી કરીને મરાઠા સમુદાયના લોકોને ‘કુનબી’ જાતિનો દરજ્જો આપવાનું સ્વીકાર્યું છે. આ નિર્ણયથી મરાઠા સમુદાયને ઓબીસી (OBC) હેઠળ અનામત મળવાનો માર્ગ મોકળો થયો છે, કારણ કે કુનબી જાતિનો સમાવેશ પહેલેથી જ ઓબીસીમાં થાય છે. સરકારના આ પગલાથી મરાઠા સમાજ માટે તકોના નવા દ્વાર ખુલશે અને સામાજિક ન્યાયની દિશામાં એક મોટું પગલું ગણાશે.

મનોજ જરાંગેએ સરકાર સમક્ષ આમરણાંત ઉપવાસ સમાપ્ત કરવા માટે કેટલીક શરતો મૂકી હતી, જેમાં મરાઠા સમાજને કુનબી જાતિમાં સમાવેશ કરવાની માંગ મુખ્ય હતી. હવે સરકાર દ્વારા આ અંગે જીઆર (સરકારી ઠરાવ) જારી કરવામાં આવ્યો છે. આ જીઆર મુજબ, કુનબી પ્રમાણપત્રો આપવા માટે એક કમિટીની રચના કરવામાં આવશે, જે આ પ્રક્રિયાને આગળ ધપાવશે. આ કમિટી મરાઠા સમુદાયના સભ્યોને સરળતાથી કુનબી પ્રમાણપત્રો મળે તે સુનિશ્ચિત કરશે.

સરકારના આ નિર્ણય બાદ હવે એવી અટકળો છે કે, મનોજ જરાંગે રાત્રે 9 વાગ્યા સુધીમાં મુંબઈ છોડી શકે છે. આ નિર્ણય હાઈકોર્ટની સખત ચેતવણી બાદ આવ્યો છે, જેમાં હાઈકોર્ટે બુધવારે સવાર સુધીમાં આઝાદ મેદાન ખાલી કરવા માટે આદેશ આપ્યો હતો. આ ચુકાદો આંદોલનકારીઓ પર વધતા દબાણને દર્શાવે છે. જોકે, સરકારના નિર્ણય બાદ આ આંદોલન શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થવાની શક્યતા વધી ગઈ છે.

આ પહેલા આંદોલનના કારણે મુંબઈમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતા હાઈકોર્ટ મામલામાં વચ્ચે પડ્યું હતું અને પોલીસને આદેશ આપ્યા બાદ આઝાદ મેદાન ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પછી જરાંગેએ જાહેરાત કરી હતી કે, આઝાદ મેદાનમાં માત્ર 5000 લોકો રહેશે અને બાકીના વાહનોને મુંબઈ બહાર જતા રહેશે. એટલું જ નહીં આંદોલન સ્થળે જરાંગેના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાના પણ અહેવાલ સામે આવ્યા હતા.

પોલીસની કાર્યવાહી પહેલાં જ મનોજ જરાંગે સ્પષ્ટ કીધું હતું કે, ભલે મારા જીવને જોખમ હોય, પરંતુ જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય, ત્યાં સુધી તેઓ મુંબઈ છોડશે નહીં. તેમણે પોતાના સમર્થકોને શાંતિ જાળવવા અને હિંસાથી દૂર રહેવાની અપીલ કરી હતી. મંગળવારે સવારે મુંબઈ પોલીસે બોમ્બે હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરતાં જરાંગેને નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ આપી હતી. આ નોટિસમાં મીડિયામાં જરાંગેએ આપેલા નિવેદનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે હવે સરકારે જરાંગેની માંગ સ્વિકારી લીધી છે અને સરકારે મરાઠા સમુદાયને કુનબી જાતિમાં સમાવવા નિર્ણય લીધો છે.

Back to top button
error: Content is protected !!