Rajkot: “૦૭ એપ્રિલ : વિશ્વ આરોગ્ય દિવસ” ‘સુપોષિત ગુજરાત’ના ધ્યેય સાથે માતા-બાળ મૃત્યુદરને ઘટાડવા પ્રયાસશીલ સરકાર

તા.૫/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : માર્ગી મહેતા
રાજકોટ ગ્રામ્યમાં ડીસેમ્બર અંતિત ૯૯.૮૯% પ્રસૂતિ દવાખાનામાં ૨૩,૮૭૨ બાળકોનું સંપૂર્ણ રસીકરણ
Rajkot: દર વર્ષે ‘વિશ્વ આરોગ્ય દિવસ’ તા. ૦૭ એપ્રિલે મનાવવામાં આવે છે. આ દિવસ વર્ષ ૧૯૪૮માં વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપનાની વર્ષગાંઠ નિમિત્તે ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૨૫ માટે થીમ ‘સ્વસ્થ શરૂઆત, આશાસ્પદ ભવિષ્ય’ છે. જેને ધ્યાનમાં લઈને માતા અને નવજાત બાળકના સ્વાસ્થ્ય પર વર્ષભર ચાલનારા અભિયાનની શરૂઆત કરાશે. જેમાં માતા અને નવજાત શિશુઓના મૃત્યુના દરને ઘટાડવા અને મહિલાઓની લાંબાગાળાની સ્વાસ્થ્ય સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરાશે. આ અભિયાન તંદુરસ્ત ગર્ભાવસ્થા અને નવજાત શિશુના સ્વાસ્થ્યને ટેકો આપવામાં મદદરૂપ બનશે.
ગુજરાતની આ વાત કરીએ તો ‘સુપોષિત ગુજરાત’ના ધ્યેયમંત્ર સાથે સરકારે માતા અને બાળકના મૃત્યુ દરને નહિવત્ કરવાના સંકલ્પ સાથે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. જેના કારણે રાજ્યમાં સંસ્થાકિય પ્રસૂતિનું પ્રમાણ વર્ષ ૨૦૨૪માં ૯૯.૯ ટકા સુધી થયુ છે. રાજ્યમાં નવજાત શિશુ મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર ઘટે, તે માટે સરકારી આરોગ્ય સંસ્થા ખાતે ‘થ્રી ટાયર એપ્રોચ’ અપનાવાયો છે.
માતા મૃત્યુ દર ઘટાડવાના આશયથી ‘પ્રજનન, માતૃત્વ, નવજાત, બાળ અને કિશોર સ્વાસ્થ્ય’ કાર્યક્રમ અમલમાં મૂકાયો છે. જે અંતર્ગત સગર્ભાની વહેલી નોંધણી, ઘનુરની રસી, આર્યન ફોલીક એસીડની ગોળીઓનો કોર્સ, દવાખાનામાં સુવાવડ જેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. જેના કારણે માતાઓમાં બીમારી અને તેમના મૃત્યુમાં ઘટાડો થયો છે. ગુજરાત રાજ્યમાં એક લાખ સુવાવડે માતા મૃત્યુ દર સીંગલ ડીઝીટથી નીચે લઇ જવાનો લક્ષ્યાંક છે. તેમજ દર ૧૦૦૦ જન્મે બાળ મૃત્યુ દર સિંગલ ડીઝીટથી નીચે લઇ જવાનો ધ્યેય છે.
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં ડીસેમ્બર અંતિત ૨૫,૯૮૮ પ્રસૂતિની નોંધણી કરાઈ છે. ૧૬,૬૮૨ પ્રસૂતાએ બાળકની ડિલીવરી કરી છે, જે પૈકી ૧૬,૬૬૪ (૯૯.૮૯%) પ્રસૃતિ દવાખાનામાં થઈ છે. રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં બાળ મૃત્યુ દર ઘટાડવા દવાખાનામાં બાળકનો જન્મ, બાળક એક વર્ષનું થાય તે પહેલા સંપૂર્ણ રસીકરણ, બાળકને જન્મ બાદ તુરંત માતાનું ધાવણ અને છ માસ સુધી ફકત માતાનું ધાવણ અપાય તેવા સતત પ્રયાસો કરાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ડીસેમ્બર, ૨૦૨૪ અંતિત ૨૩,૮૭૨ બાળકોનું સંપૂર્ણ રસીકરણ કરાયું છે.
ઉત્તમ સ્વાસ્થ્ય ધરાવતા લોકો દેશ અને રાજ્ય માટે સાચી મૂડી સમાન છે. જેથી, આ વર્ષે ગુજરાતના અંદાજપત્રમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ૧૬.૩૫%નો વધારો કરી કુલ રૂ. ૨૩,૩૮૫ કરોડ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂ. ૭૬૬૮ કરોડની જોગવાઈ કરાઈ છે. આમ, ‘સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત’ના સૂત્રને સાકાર કરવા ગુજરાત સરકારે આરોગ્ય સેવાઓને અગ્રિમતા આપી છે.



